પસ્તાવો કે ગર્વ ?
પસ્તાવો કે ગર્વ ?
હાંફતી હાંફતી લગભગ દોડતી હીરાને હાથમાં લોહીવાળી છરી લઈને ગામમાંથી પસાર થતાં જેણે જેણે જોઈ એ સૌ આશ્ર્ચર્ય કરતાં આઘાત વધુ પામ્યા. થોડા લોકો તો એની પાછળ પાછળ પોલિસ ચોકી સુધી પણ પહોંચી ગયા !
"સાહેબ,મને જેલમાં પુરી દો, મેં મારા ઘણીનું જ ખુન કર્યું છે." કહેતી હીરા જમીન પર ફસડાઈ પડી.
ઇન્સ્પેક્ટર ઝાલા ખૂરશીમાંથી ચોંકીને ઉભા થઈ ગયા, ઓચિંતા આમ એક સ્ત્રી છરી સાથે ધસી આવી એટલે, પરંતુ પછી તરત જ સ્વસ્થ થતાં એ બોલ્યા,"સુખરામ,આ બહેનના હાથમાંથી છરી લઈ લો. અને એમની જુબાની પણ લખી લેજો." કહી હીરા તરફ ફરીને બોલ્યા, "બેન,પહેલા શાંત થાવ પછી બોલો તમારે શું કહેવું છે ?"
"સાહેબ,આજે મારી સહનશક્તિની હદ આવી ગઈ. કેટલું સહન કરું ? ગુસ્સાના આવેશમાં મેં એના ગળા પર જ છરીના ઘા કરી દીધા."
ઇન્સ્પેક્ટર ઝાલા બોલ્યા, "પુરેપુરી વાત કહો વિગતે, તો કાંઈ સમજ પડે."
હીરા ઉંડો શ્ર્વાસ લઈને બોલી, "સાહેબ,વાત લાંબી છે.હું આ ગામમાં જ જન્મી છું. ગામના સરપંચ દલસુખભાઈને મારા બાપુ મનસુખભાઈ બંને સારા મિત્રો. મારી મા હું નાની હતી ત્યારે જ ભગવાનને વ્હાલી થઈ ગઈ, પણ મારા બાપુએ મને માની ખોટ સાલવા નથી દીધી. મને લાડકોડથી ઉછેરીને ભણાવીને હું ગામની જ શાળામાં શિક્ષિકા થઈ ગઈ. સરપંચ કાકાએ એમની મોટી દિકરીને પરણાવી દીધેલી, એમનો નાનો દિકરો વિજય,એ મારો ધણી. મારા બાપા અને દલસુખકાકાએ રાજીખુશીથી અમારા લગ્ન કરાવીને ભાઈબંધમાંથી વેવાઈ થયા હતા.
શરૂઆતમાં તો વિજયનું વર્તન ઘણું સારું હતું. પણ ધીરેધીરે એનું છાનું નઠારું પોત પ્રકાશ્યું. એ ગામની દીકરીઓ, વહુઓ પર ખરાબ નજર રાખતો. મને એ ખબર પડતાં મને ઘણો જ આઘાત લાગ્યો હતો પણ મને થયું હું એને પ્રેમથી સમજાવીને સુધારી શકીશ. બેવાર તો હું મારા બાપાને ઘરે પણ જતી રહેલી પણ એ આવીને મારી માફી માંગતોને ફરી આવું નહી કરુંનું વચન પણ આપતો ને હું એની વાતમાં આવી જતી. મારા સસરા પણ એને ઘણું સમજાવતાં.
પણ આજે એણે ફરીથી એની અસલ જાત બતાવી. અમારા ખેતરમાં કામ કરતાં ખેતમજૂરની પંદર વરસની છોકરી ઘરે એમ કહેવા આવી હતી કે એના બાપાની તબિયત નથી સારી એટલે એ બેચાર દહાડા મજૂરીએ એના બદલે એ કામ કરવા આવશે. મારા સસરા ઘરે નહોતા ને હું રસોડામાં રસોઈ કરતી હતી. વિજય અંદર રૂમમાં જ હતો. પેલી જેવી ઘરમાં આવી વિજયે જોયુંને એની દાનત બગડી. એણે એને રૂમમાં ખેંચી લીધીને એનું મોં દબાવી દીધું. પણ પેલીએ વિજયના હાથમાં બચકું ભરીને જોરમાં ચીસ પાડી. ને હું શાક સમારતી હતી તે...દોડી...
વિજયને પેલી છોકરી પર શિકારીની જેમ તૂટી પડેલો જોઈ. હું આઘાત અને ગુસ્સાથી મગજનો કાબુ ગુમાવી બેઠીને સિંહણની જેમ એના પર તૂટી પડીને એના ગળા પર ઉપરાચાપરી છરીના ઘા મારી દીધા.પેલી છોકરી ડરથી કાંપતી,રડતી મને વળગી પડી. હું જાણે હોશમાં આવી. અરેરે.. મેં આ શું કર્યું ? હું બેસી પડીને પોક મુકીને રડી પડી, પણ પછી સીધી અહીં જ આવી. મને મારા ઘણીને મારી નાંખવાનો ખુબ જ પસ્તાવો અને દુઃખ પણ થયું જ છે પણ એક દીકરીનું શિયળ બચાવ્યાનો ગર્વ પણ છે. સાહેબ,મને જે સજા કરવી હોય એ કરો." કહી હીરા રડી રહીને ઇન્સ્પેક્ટર ઝાલા હીરાની સામે જોઈ રહ્યા !
શું છાતીમાં ધરબાઈ રહેલા આઘાતના પ્રત્યાઘાત આવા પણ હોઈ શકે ?
