સૌંદર્યા
સૌંદર્યા
વહેતા નદીના નીરમાં પગ ઝબોળતી બેઠેલી સૌંદર્યા પોતાના અતીતથી વર્તમાન સુધીની વહી રહેલી જીવનની ઘટમાળ નિહાળી રહી.નામ પ્રમાણે જ રૂપના અંબાર સમી સૌંદર્યા, સૌંદર્યની જ પ્રતિકૃતિ સમ કંડારેલી મૂર્તિ જોઈ લો ! એના માતા-પિતાની એકની એક લાડકી દીકરી. જે એને જુએ એ જોતા જ રહી જાય ! પોતાના રૂપના વખાણ સાંભળી સૌંદર્યાનું મુખ શરમની લાલિમાથી ઝૂકી જાય !
પણ, રૂપ જેટલું સુંદર એટલું જ એને અભિમાન પોતાના રૂપનું ! અઢળક મિલ્કત મુકી એના માતા-પિતા એક રોડ એક્સિડન્ટમાં અવસાન પામ્યાને એ સ્વછંદતાને રવાડે ચઢી ગઈ. દારૂ,સિગારેટ અને છેલ્લે ડ્રગના વ્યસનમાં ફસાયેલી સૌંદર્યા યુવાનીમાં જ લાસ્ટ સ્ટેજના કેન્સરનો ભોગ બની ગઈ ! સમજાયું તો ખરું, પણ ઘણું મોડું થઈ ગયું હતું. ને મોતની ખીણ તરફ વેગથી ધસી રહી હતી !
એના મોજ શોખના,સ્વાર્થના, યુવાનીના સાથીઓ એને એક પછી એક છોડી ગયા હતા ! એણે પોતાની બધી મિલ્કત એક સ્ત્રી કલ્યાણ સંસ્થામાં દાન કરીને એ જ સંસ્થામાં જિંદગીનો આખરી સમય વિતાવી રહી હતી. નદીના વહેતા નીરની જેમ એની જિંદગી પણ વહેતાં વહેતાં જાણે મોતના સાગરમાં વિલીન થવા ધસી રહી હતીને એ શુન્યમનસ્ક થઇ જોઈ રહી હતી.
