આજીવન ઋણી
આજીવન ઋણી
બાળપણમાં જ અમારી માતા અમને આ દુનિયામાં એકલા મૂકીને જતી રહી હતી. તેમના સ્વર્ગવાસ બાદ અમારા સારસંભાળની સઘળી જવાબદારી અમારા પિતા વિશ્વનાથ પર આવી હતી. જોકે તેઓ પોતાની જવાબદારી નિભાવવામાં સહેજે પાછા પડ્યા નહોતા. એક પિતા સાથે માતાની ભૂમિકા તેઓએ બખૂબી નિભાવી હતી. ટૂંકી આવક હોવા છતાંયે અમો ભાઈ બહેનની દરેક ઈચ્છા તેઓએ હસતેમુખે પૂર્ણ કરી હતી. તેમની મહેનત અને જતનને લીધે જ અમે ભાઈ બહેન આજે પગભર થઈ ગયા છીએ. હું એક મલ્ટીનેશનલ કંપનીમાં મનેજર છું. અને મારી બહેન દીપ્તિના લગ્ન એક ડોક્ટર સાથે થયા છે. અમે બંને ભાઈબહેન અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ. ખરેખર કહું તો હવે સમય આવ્યો હતો અમારા પિતાશ્રીના સઘળા ઋણ ચૂકવવાનો. જે રીતે તેઓએ અમને સાચવ્યા એ રીતે તેમને સાચવવાનો, પરંતુ તેઓએ અમને એ મોકો આપ્યો જ નહીં. હમણાં ત્રણ દિવસ પૂર્વે જ એક સાધારણ માંદગીથી તેઓનું અવસાન થયું હતું. કદાચ અમારા ભવિષ્યની ચિંતામાં જ તેઓ આટલા વર્ષો અમારી માતાથી વિખૂટા રહી શક્યા હતા. અમને અમારા પિતા વિષે ખૂબ માન હતું. પરંતુ તેમની પતરાની પેટીમાંથી મળી આવેલા એ પત્રો વાંચ્યા બાદ..
ખેર, કહેવાય છે કે કોઈના પત્રો વાંચવા જોઈએ નહીં. પરંતુ અમે ભાઈ બહેન અમારા પિતાજીના પત્રોને વાંચવાથી ખુદને રોકી શક્યા નહીં. પિતાજીના અવસાન બાદ અમે જયારે તેમનો સામાન ગોઠવી રહ્યા હતા ત્યારે એક જૂની પતરાની પેટીમાંથી અમને કેટલાક પત્રો મળી આવ્યા. તેમનું ગુલાબી કવર તે પ્રેમપત્રો હોવાની ચાડી ખાઈ રહ્યું હતું. જોકે એમાં અમને નવાઈ જેવું કશું લાગ્યું નહીં. લગ્ન પૂર્વે યુવક યુવતીઓ એકબીજાને આવા પ્રેમપત્રો મોકલતા જ હોય છે. જોકે એ પ્રેમપત્રો જોઈ અમને તેમાં શું લખ્યું હશે તે જાણવાનું કુતુહલ થયું. એમપણ હવે અમારા માતાપિતાની યાદો વાગોળવા સિવાય અમારા પાસે સિલક, બીજું કશું બચ્યું નહોતું. દીપ્તિએ ઝડપથી એક પત્ર ઊઠાવીને વાંચવાની શરૂઆત કરી.
“વહાલી પ્રિયતમા.
તને પહેલીવાર જોઈ હતી ત્યારે જ હું તારા પ્રેમમાં પડી ગયો હતો. પ્રથમ નજરના પ્રેમની અનુભૂતિ મને તારા થકી જ થઈ હતી. તને જોયા બાદ હું દિવસરાત બસ તારા જ વિચારોમાં ખોવાયેલો રહેતો. તારી એક ઝલક જોવા હું કલાકો સુધી તારા મકાનની બાહર ઊભો રહેતો. મને તારા મકાનની બહાર આમ ઊભેલો જોઈ આવતાજતા લોકો અનાપશનાપ વાતો કરતા રહેતા. પરંતુ હું તેની પરવા કરતો નહીં. કારણ મને મારા પ્રેમ પર ભરોસો હતો. હું જાણતો હતો કે લગ્ન બાદ બધું સારાવાના થઈ જશે. મારા દિલની વાત મેં તારી આગળ ઘણીવાર કહેવાની કોશિશ કરી પરંતુ મારી હિંમત ક્યારે થઈ જ નહીં. અને એટલે જ દિલમાં સંઘરાયેલી એ વાતો આ પત્રો સ્વરૂપે વ્યક્ત કરી રહ્યો છું.
લિ.
તારો વિશ્વનાથ.”
મેં અચરજથી દીપ્તિ તરફ જોઈને પૂછ્યું, “દિલમાં સંઘરાયેલી એ વાતો આ પત્રોમાં લખી રહ્યો છું. એટલે ?”
“વિકાસ, મને લાગે છે કે આપણા પિતા ખૂબ શરમાળ હતા. તેથી તેમના દિલની વાત આપણી માતા આગળ ક્યારેય કહી શક્યા નહીં. કદાચ આ પત્રો પણ તેઓએ આપણી માતા સુધી પહોંચાડવાની હિંમત કરી નહીં હોય !”
“દીપ્તિ, તો એમના લગ્ન કેવી રીતે થયા ?”
“બુદ્ધુ, એ જમાનામાં કંઈ આજના જેવી પરિસ્થિતિ નહોતી. ઘરના વડીલો જ છોકરા છોકરીઓના લગ્ન ગોઠવી દેતા. ત્યારબાદ તેઓમાં આપમેળે પ્રેમ થઈ જતો. છોડ એ વાતોને આપણે બીજો પત્ર વાંચીએ.”
“દીદી, એ પત્રને રહેવા દે. એ ખૂબ જ ટૂંકો લાગે છે.”
“ટૂંકો એટલે ! આ પત્રમાં ફક્ત એટલું જ લખ્યું છે કે, મને માફ કરી દે સુધા.”
“એક મિનિટ. આ સુધા કોણ છે ?”
“કદાચ આપણી માતાનું નામ સુધા હશે !”
“કદાચ એટલે ! શું તને પણ આપણી માતાનું નામ ખબર નથી ?”
“ના. હું પિતાજી સામે માતાની વાત કરું ત્યારે તેઓ દુઃખી સ્વરે મને પૂછતા કે, ‘બેટા, મારા પ્રેમમાં કશી કચાશ રહી ગઈ છે ! કે જે તને માતાની યાદ આવી રહી છે ?’ અને બસ આગળ બીજું કશું તેમને પૂછવાની હિંમત જ થતી નહીં.”
“તો પછી આ પ્રિયતમા કોણ છે ?”
“બુદ્ધુ, પ્રિયતમા એટલે પ્રેમિકા.”
“ઓહ ! એમ છે.” ઢગલામાંથી એક પત્ર ઊઠાવી મેં દીપ્તિના હાથમાં મુકતા કહ્યું, “લે આ પત્ર વાંચી જો.”
દીપ્તિએ પત્ર વાંચવાની શરૂઆત કરી.
“પ્રિયતમા, આજે મેં આપણા બંનેના લગ્નની વાત મારા માતાપિતા સામે કરી. ત્યારે તેઓ ખૂબ રોષે ભરાયા. તેઓએ મને ચોખ્ખું સંભળાવી દીધું કે, એક તવાયફને આ ઘરની વહુ બનાવી તેઓ પોતાના ખાનદાનની ઈજ્જતને દાવ પર નહીં લગાવે. પ્રિયતમા તું તો જાણે છે કે હું મારા માતાપિતાને ખૂબ ચાહું છું. તેમની મરજી વિરુદ્ધ હું લગ્ન કરું એવો નગુણો નથી. કદાચ તારા પ્રેમને પામી શકું એટલો હું નસીબવાન નથી.
લિ.
તારો વિશ્વનાથ.
દીપ્તિના હાથમાંથી પત્ર છટકી ગયો. તેણે અવાચક નજરે મારી તરફ જોઈ કહ્યું, “વિકાસ, પ્રિયતમાએ કોઈ તવાયફનું નામ છે !”
અમારા બંનેની આંખો ધ્રુણાથી ભરાઈ ગઈ. માણસને ઈજ્જત કમાવવામાં વર્ષો લાગી જતા હોય છે પરંતુ તેને ગુમાવતા એક ક્ષણ પણ લાગતો નથી. અમારા પિતા એક તવાયફના પ્રેમમાં હતા ! આ જાણી અમને આઘાત લાગ્યો હતો. દીપ્તિએ પત્રોના ખડકલામાં ફંફોસી એક પત્ર બહાર કાઢ્યો. તેમાં પ્રિયતમાના નામે લખેલો ચીલાચાલુ પ્રેમપત્રો હતા. દીપ્તિએ એકપછી કે તેમનું વિહંગાવલોકન કર્યું. પરંતુ કોઈ ખાસ માહિતી મળી નહીં. આખરે એક કામનો પત્ર દીપ્તિના હાથમાં આવ્યો. તેમાં લખ્યું હતું...
“સુધા,
મને ખબર છે કે તું મનોમન મને ખૂબ ચાહે છે. પરંતુ હું પણ મજબુર છું. તું તો જાણે છે કે મારા હૃદયમાં પ્રિયતમા વસે છે. એવી પરિસ્થિતિમાં હું તારી સાથે લગ્ન કેવી રીતે કરી શકું ? હું આમ કરી આપણા બંનેના જીવનને વેરવિખેર કરવા માંગતો નથી. એટલે જ આજે મેં તારી સાથેના લગ્ન માટે નકાર આપ્યો છે. પરંતુ તું નારાજ થઈશ નહીં. મને વિશ્વાસ છે કે તને મારા કરતા સારો પતિ મળી જશે. બની શકે તો મને માફ કરી દે સુધા.
લિ.
વિશ્વનાથ.”
આ પત્રો વાંચી અમારા ભાઈ બહેનના મસ્તિષ્કમાં અસંખ્ય વિચારોના પ્રવાહ દોડવા લાગ્યા. અમે અમારા પિતાને શું સમજતા હતા અને તેઓ શું નીકળ્યા. દીપ્તિએ પત્રોની એ પેટીને બંધ કરી અને રોષભેર તેનો માળિયા પર ઘા કર્યો. ‘ખડિંગ’ના અવાજ સાથે અમારા પિતાનો ભૂતકાળ અંધારા ખૂણામાં ગડબ થઈ ગયો. અમે બંને ભાઈ બહેન એકબીજાની આંખમાં આંખ પણ મેળવી શક્યા નહીં. મારી ગરદન શરમથી ઝુકી ગઈ. ઓચિંતી મારી નજર કાલીન પર પડેલા એક પત્ર પર ગઈ. દીપ્તિ ઉતાવળમાં તેને પેટીમાં નાખવાનું ભૂલી ગઈ હતી. મેં ભારે હૈયે એ કાલીન પર પડેલા પત્રને ઊઠાવ્યું.
“હજુ શું જાણવાનું બાકી રહી ગયું છે ?” દીપ્તિ રોષભેર બોલી.
મેં પત્રની ગડી ખોલી.
“કોના નામે પત્ર છે.” દીપ્તિએ રૂક્ષ સ્વરે પૂછ્યું.
“પ્રિયતમા.” મેં જવાબ આપ્યો.
દીપ્તિ મોં મચકોડી બાજુના ઓરડામાં જવા લાગી.
મેં પત્ર વાંચવાનું શરૂ કર્યું, “પ્રિયતમા, મને એ વાતનો અફસોસ છે કે આ જાલિમ દુનિયા આપણા પ્રેમને સ્વીકારી શકી નહીં. પરંતુ તેથીયે વધુ અફસોસ એ વાતનો રહેશે કે તું મારા દિલની વાત જાણ્યા સિવાય જ આ દુનિયા છોડીને જતી રહી.”
દીપ્તિના પગ અટક્યા. તે હોઠ ભીંસી બોલી, “સારું થયું.”
મેં આગળ વાંચવાનું શરૂ કર્યું, “પ્રિયતમા, હું જાણું છું કે ભૂલને કારણે તવાયફને થતા સંતાનોનું જીવન બદતર હોય છે. તને પણ એ જ વાતની ચિંતા હશે ને કે તારાબાદ હવે તારા સંતાનોનું શું થશે ? પરંતુ તું ચિંતા કરીશ નહીં. દુનિયા ભલે તેઓને પાપની નિશાની સમજતી હોય. પરંતુ હું તેઓને મારા સંતાનોની જેમ ઊછેરીશ. હું તારા તરફથી મળેલી પ્રેમની ભેટ સમજી તેઓનું લાડકોડથી જતન કરીશ. તેમને કોઈપણ પ્રકારનું દુઃખ થવા નહીં દઉં. દુનિયા સામે લડીને હું દીપ્તિ અને વિકાસને મારા સગા દીકરા દીકરીની જેમ સાચવીશ. તેઓને કોઈ તકલીફ ન પડે એટલે હું આજીવન કુંવારો રહીશ. આજે જ સુધાને હું લગ્ન માટે ના કહી દઉં છું. હવે તો તું ખુશ છે ને ?”
લિ.
તારો વિશ્વનાથ.”
ઓરડામાં શાંતતા પ્રસરી ગઈ.
અમારા પિતા માટે થોડીવાર પહેલા જે કંઈ વિચાર્યું હતું એ બદલ અમને અફસોસ થવા લાગ્યો.
હું પત્ર એકબાજુ મૂકી બારી પાસે જઈ ઊભો રહ્યો. મનને શાંત કરવા મેં મારા ખિસ્સામાંથી સિગરેટ કાઢી. દીપ્તિ ભારે હૈયે પાસે આવેલી ખુરશી પર બેસતા બોલી, “વિકાસ, કોઈ પ્રેમ ખાતર આટલો પણ ત્યાગ આપી શકે છે ? જો ભૂતકાળમાં આપણા પિતાએ આપણને તેઓનું નામ આપ્યું ન હોત તો આજે આપણું શું ભવિષ્ય હોત ?”
અમને અમારા પિતા વિષે બહુ માન હતું. પરંતુ તેમની પતરાની પેટીમાં મળી આવેલા એ પત્રો વાંચ્યા બાદ અમે તેમના ઋણી થઈ ગયા હતા. કદાચ આજીવન ઋણી.

