Nisha Patel

Tragedy Inspirational

4.6  

Nisha Patel

Tragedy Inspirational

આજ મારે આંગણે

આજ મારે આંગણે

9 mins
280


એ મધ્યમવર્ગની વ્યવસાયી મહિલા હતી. સાથે એનાં ઘરની રસોઇયણ, પાણીહારી, વાસણ સાફ કરનારી, કચરાંપોતાં કરનારી, કપડાં ધોનારી, નાનાં મોટાં પરચૂરણ કામો કરનારી, બાળકોને સ્કૂલે મૂકવાં લેવાં જનારી, બાળકોને ટ્યુશન આપનારી, ઘરની જરૂરીયાતની વસ્તુઓ લાવવાં મૂકવાનું કામ કરનારી, પતિની શૈયાસંગિની, સામાજિક પ્રસંગે બધાં વ્યવહાર સાચવનારી બધું જ કરનારી તે એકમાત્ર હતી. તેનાં લગ્નને લગભગ તેર ચૌદ વર્ષ થવાં આવેલાં. પરિવારમાં તેને બે પુત્રીઓ હતી. સાસુ-સસરા અને એક દીયર હતાં. સાસુ-સસરા અને દીયર તેમનાંથી થોડે દૂર રહેતાં હતાં. પતિ રાહુલને એક સીક્યોરીટી કંપનીમાં રાતની નોકરી હતી. તે એક પ્રાઈવેટ કંપનીમાં ક્લાર્ક હતી. કરકસરથી રહેતાં હોવાથી બંનેનાં પગારમાંથી ઘર ચાલતું અને થોડી બચત પણ થતી, જેમાંથી તેઓ એક ઘર ખરીદવાનાં સ્વપ્નને આકાર આપવા માંગતાં હતાં. 

તેની એક સામાન્ય જિંદગી હતી. તેની અપેક્ષાઓ આશાઓ સામાન્ય હતી. એક નાનું, પણ પોતાનું ઘર હોય, બાળકો સામાન્ય કરતાં થોડું વધારે ભણી લે, સમાજમાં અને કુટુંબમાં થોડું માન હોય ! પિયર અને સાસરી બંને તરફનાં પરિવાર સાથે મનમેળ હોય. વારતહેવાર સાથે મળીને કોઈવાર ઉજવી લેતાં હોય! બેચાર મિત્રો હોય, જેમને અવારનવાર મળતાં રહેવાય! તેની કોઈ મોટી મોટી અપેક્ષાઓ નહોતી. બધાં કામ કર્યાં પછીયે હમેશા હસતી રહેતી. ફરિયાદો ઓછી કરતી. ઓફીસમાં પણ હસતી હસાવતી રહેતી. 

પણ છેલ્લાં ત્રણેક વર્ષથી તેનું હાસ્ય ફિક્કું બનવાં લાગેલું. રાહુલની આવક અચાનક સાવ ઓછી થઈ ગયેલી. સાથે મૂકેલી બચતને પણ છાનાં પગ આવી ગયેલાં. રાહુલે બહુ જ પ્રયત્ન કર્યાં હતાં કે તેને ખબર ના પડે પણ તેને ખબર પડી જ ગઈ હતી કે બચત છાનાં પગલે કશે જઈ રહી હતી. રાહુલનું કામ કરવાનું ટાઇમટેબલ પણ બદલાઈ ગયું હતું. તેણે વધારે પડતો ઓવરટાઈમ ચાલુ કરી લીધેલો. હવેથી સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો, કે પછી રાતનું જમવાનું હોય, રાહુલની ગેરહાજરી નિયમિત બની ગયેલી. રજાનાં દિવસોએ પણ એ ત્રણ જ હોય. રાહુલ ઘરમાં મળે જ નહીં. મિત્રો, પરિવાર બધાં સાથે ફોનથી વાતચીત કરતાં પરોક્ષ રીતે તેણે જાણી લીધું હતું કે રાહુલ ઘણાં સમયથી તે બધાંને પણ મળતો નહોતો. તો પછી…

નિધિ ઓફીસનાં કામમાં પણ બેધ્યાન થવાં માંડેલી. બંને છોકરીઓ પિતાની ગેરહાજરી તો અનુભવતી જ હતી હવે તેમનાં નાજુક બાળમાનસે માતાની પણ માનસિક ગેરહાજરી નોંધવાં માંડી. દિવસો જતાં હતાં તેમ તેમ આર્થિક પરિસ્થિતિ વધુ ને વધુ વણસતી જતી હતી. ઘરભાડાંનાં પૈસા માટે પણ ફાંફાં પડવાં માંડ્યાં. એની વ્યવસ્થા કરવાં જાય તો બંને છોકરીઓની સ્કૂલની ફીસ ભરવાની રહી જતી. નિધિ એક સાંધે ત્યાં તેર તૂટતાં. લાઈટ બિલ, કરીયાણું, કપડાં… ખર્ચાનું લિસ્ટ લાંબું હતું અને રાહુલની આવક ગાયબ થતી જતી હતી. તેણે રાહુલ સાથે વાતચીત કરવાનો બહુ પ્રયત્ન કર્યોં પણ રાહુલ ટાળી જતો. ફોન અને ટેક્ષ મેસેજીસનો જવાબ આપતો નહીં. નિધિની આશંકા દ્રઢ થતી જવાં લાગી. તેની છઠ્ઠી ઈન્દ્રીય તેને કહેતી હતી કે કોઈ હતું જેની પાછળ રાહુલ ઘરબાર ભૂલી ગયો હતો. 

ઘણીવાર તેને થતું કે તે રાહુલનો પીછો કરે અને જુએ કે એ કોને મળે છે. પણ એવું કરવાનો તેની પાસે સમય ક્યાં હતો ? ઘરનાં કામ, ઓફીસ, છોકરીઓ… એ કયા ટાઈમે એ એની પાછળ જાય ? ઓફીસમાં રજા પાડવી પણ તો પોસાય તેવી નહોતી. અને પીછો પણ કેવીરીતે કરવો ? રીક્ષામાં? રીક્ષાનાં પૈસા ક્યાંથી લાવવાં ? છોકરીઓનાં મોંઢામાંથી કોળિયો કાઢી રીક્ષાવાળાને આપી દેવાં ? લગ્ન કર્યાં ત્યારથી બંને એક જ સ્કૂટીથી કામ ચલાવતાં હતાં. પણ રાહુલે દિવસરાત બંને ટાઈમ ઘરે આવવાનું બંધ કર્યું ત્યારથી તેને બસમાં નોકરીએ જવું પડતું. તેણે છોકરીઓને પણ ચાલતાં સ્કૂલે મોકલવાં માંડી હતી. હવે તો તેમને લેવા મૂકવા પણ કોણ જાય ? સ્કૂટી જ ક્યાં હતું ? એ મૂકવાં ચાલતી ચાલતી જાય તો તો નોકરી પર જવાનું મોડું થઈ જાય! અને સાંજે બસમાં આવતાં એટલું મોડું થઈ જતું કે લેવાં જવાનો કોઈ સવાલ જ નહોતો રહેતો! તેનો માળો કોઈએ પીંખી નાંખ્યો હતો. તેમનાં જીવનનાં દરેક આનંદ કોઈએ છીનવી લીધેલાં. 

છોકરીઓનો ગણગણાટ પણ બંધ થઈ ગયેલો. તેઓ પણ ગુમસૂમ બની ગયેલી. ચૂપચાપ હોમવર્ક કરી લેતી. અને પછી પુસ્તક લઈને બેસી રહેતી. વાંચતી હતી કે ખાલી ચોપડી હાથમાં રાખી બેસી રહેતી તે નિધિને ખબર પડતી નહીં કે નહોતી નિધિ એ બાજુ ધ્યાન આપી શકતી. છોકરીઓ બહાર રમવાં પણ જતી નહોતી. સોસાયટીનાં છોકરાંઓ રમવાં બોલાવે તો બહાનું કાઢતી. જોકે, તેની મનઃસ્થિતિ આ બધું સમજવાની કે વિચારવાની હતી નહીં. તેના પંદર વર્ષનાં સંસારને તૂટતો કેમ બચાવવો અને ખર્ચાંને કેવીરીતે પહોંચી વળવાં સિવાય તેનાં મગજ સુધી બીજું કશું જતું નહીં. તે એટલી સ્વાભિમાની હતી કે કોઈની પણ મદદ માંગવામાં તેને નીચા જોવાં જેવું લાગતું. 

એવામાં અચાનક કોવીડે વિશ્વભરને પોતાનાં ભરડાંમાં લીધાં. અને લોકડાઉને તમામ લોકોનાં શારિરીક, સામાજિક, આર્થિક, માનસિક જીવનને અસર કરી. નિધિ અને તેનો પરિવાર તો પહેલેથી જ મુશ્કેલીમાં હતો. તેણે વધારે ભીંસ અનુભવવાં માંડી. રાહુલનું ઘરની બહાર નીકળવાનું બંધ થઈ જતાં તેણે નિધિ અને છોકરીઓ પર ગુસ્સો ઉતારવાનું ચાલું કર્યું. ધીરેધીરે ઘરમાં ભરેલું અનાજ ખલાસ થવાં માંડ્યું. ક્યારેક કર્ફ્યુ છૂટતાં મળતાં મોંઘા શાક-દૂધ લેવાની ત્રેવડ હતી નહીં. ઘરમાં ભરી રાખેલ ઘઉં, બાજરી, જુવાર જેવું અનાજ આજુબાજુ કોઈના ઘરની ઘરઘંટીમાં દળી આવી નિધિ રોટલી કે રોટલાં બનાવી દેતી. બધાં પાણી સાથે ખાઈ પેટ ભરી લેતાં. નિધિએ તો કરકસરનાં હેતુથી ક્યારનુંયે એકટાણું કરવાં માંડેલું. 

એકવાર કર્ફ્યુમાં ત્રણચાર કલાકની સળંગ રાહત મળતાં રાહુલ બહાર ગયો. ઘરમાં રહી સતત ગુસ્સો કરતાં રાહુલનાં બહાર જતાં એમ તો ત્રણેયે રાહતનો શ્વાસ લીધો. પણ સાથે નિધિ ‘રાહુલ પાછો નહીં ફરે તો ?’ ‘રાહુલ કોવીડ લઈને ઘરમાં આવશે તો ?’ જેવાં પ્રશ્નોથી મૂંઝાઈ પણ ગઈ. અનાજ પણ ઘરમાં ખલાસ થવાં આવેલું. હવે જો નોકરી પાછી ચાલુ ના થાય તો બધાંએ જ ભૂખ્યાં મરવાનો વારો આવશે તેની પણ મહાચિંતા હતી. એ માથે હાથ દઈ બેસી રહેલી. એણે રૂમમાં લગાવેલાં ભગવાનનાં ફોટા સામે જોયું. એ દર વર્ષે મંદિરમાંથી આવતાં કેલેન્ડર પર આવેલાં ભગવાનનાં ફોટા સાચવી રાખતી. એ જ તો તેનાં ઘરમાં મંદિરની ગરજ સારતાં. જાણે ભગવાનને ફરિયાદ કરતી હોય તેમ જોયાં પછી પોતે જ મનોમન બોલી,

“એમાં ભગવાન પણ શું કરે ? આ કાંઈ એની એકલીનો પ્રોબ્લેમ છે ? કોરોના તો આખા વિશ્વનો પ્રોબ્લેમ છે.”

કર્ફ્યુ પતી જતાં રાહુલ પાછો ફર્યોં. સાવ જ હતાશ નિરાશ. જિંદગીથી તદ્દન હારી ગયો હોય તેમ. આવતાંની સાથે જ એણે અંદર રૂમમાં જઈ બારણાં બંધ કરી દીધાં. બે દિવસ એણે બારણું ખોલ્યું નહીં. બે દિવસ નિધિએ પણ તેને બોલાવ્યો નહીં. છેવટે બે દિવસ પછી નિધિએ બારણું ખખડાવ્યું,

“રાહુલ, રાહુલ, બારણું ખોલ.”

“નિધિ, હું બહાર ગયો હતો એટલે મેં મારી જાતને ક્વોરેન્ટીન કરી દીધી છે. મને અંદર એકલો રહેવા દે.”

હવે આ જવાબ, આ શાંત અવાજ નિધિને અચંબામાં પાડી ગયાં. તેણે તો રાહુલનો ગુસ્સાવાળો અવાજ જ આવશે તેમ માનેલું. તે શું, છોકરીઓને પણ મમ્મીએ બારણું ખખડાવ્યું ત્યારે બીક લાગેલી. તેમણે પણ ગુસ્સામાં વિકરાળ સ્વરૂપે પપ્પા બહાર આવશે તેમ ધારેલું. બંનેને મનમાં મમ્મી પર ગુસ્સો આવેલો, 

“આ મમ્મી શા માટે બારણું ખખડાવી પપ્પાને બહાર બોલાવે છે ? પપ્પા અંદર જ સારાં છે. બહાર આવશે તો ગુસ્સામાં અમને તો ધોઈ જ નાંખશે !”

નિધિએ તો પણ કહ્યું, “વાંધો નહીં, રાહુલ. તેં બે દિવસથી કશું ખાધું નથી. બારણું ખોલ, મેં રોટલા બનાવ્યાં છે.”

રાહુલે જરાં બારણું ખોલી ખાવાનું લઈ પાછું બંધ કરી દીધું. 

ઘરનું અનાજ તદ્દન ખાલી થઈ જતાં હવે નિધિ પાસે કોઈ છૂટકો નહોતો. બાજુવાળાં પાસે તેણે તેનાં ભાઈને મેસેજ કરાવ્યો. મેસેજ મળતાં જ તેનાં ભાઈનો ફોન આવ્યો. તેનાં ફોનમાં પૈસા ના ભરવાથી આઉટગોઈંગ ફોન બંધ થઈ ગયેલાં. પણ હજુ ઈનકમીંગ ચાલુ હતાં, 

“બોલો મોટીબેન, કેમ છો ?” ભાઈ તેનાંથી પાંચેક વર્ષ નાનો હતો. બેંકની સારાં પગારની નોકરી હતી. જેમતેમ કરી નિધિએ અવાજ કાઢ્યો, “તું કેમ છે, ભાઈ?”

“બસ, મોટીબેન, ચાલે છે. અત્યારે તો તમને ખબર છે ને, બધાં જ જીવ બચાવીને બેઠાં છે !“

ભાઈ ધીમું હસ્યો.

“જેમતેમ કરીને ચલાવ્યું પણ હવે તો ઘરમાં અનાજનો દાણો નથી. મારી પાસે સો રૂપિયાથી વધારે કોઈ પૈસા નથી રહ્યાં. જે છે તે હવે તે જ મૂડી છે. રાહુલ તરફથી પણ કોઈ આશા રહી નથી.” નિધિ ટુકડે ટુકડે બોલી.

“મોટીબેન, તમે ચિંતા ના કરો. તમારો ભાઈ હજુ પહોંચી વળે તેમ છે. પણ, રાહુલકુમારને શું થયું છે ? તમે કેમ એમ કહો છો કે એના તરફથી કશી આશા નથી ?” એક શ્વાસ લઈ તેણે પૂછ્યું, “મોટીબેન, એક વાત પૂછું ? હું તમને બરાબર ઓળખું છું. તમે મરી જાઓ પણ હાથ લાંબો ના કરો. તમે જે અત્યાર સુધી બચત કરતાં હતાં તેનું શું થયું ?”

નિધિ હવે રોકી ના શકી. તેનાં આંસું નીકળી ગયાં. તેણે મળશે ત્યારે વાત કરશે કહી વાત ટૂંકી કરી દીધી. બીજે દિવસે કર્ફ્યુ ખૂલતાં તેનો ભાઈ થોડા અનાજપાણી, ફળફળાદિ, શાકભાજી, દૂધ, થોડાં નાસ્તા વિગેરે લઈને આવી પહોંચ્યો. તેણે નિધિનાં હાથમાં થોડાં રૂપિયા પણ મૂક્યાં. વળી, તેનો ફોન પણ રીચાર્જ કરી દીધો અને રાહુલ વિશે ફરી પૂછ્યું. પોતાનું નામ રૂમમાંથી સાંભળતાં આટલાં દિવસે રાહુલ પહેલીવાર રૂમની બહાર આવ્યો. તેણે બંને છોકરીઓને પાસે બોલાવી બેસાડી. નિધિ અને તેનાં ભાઈને પણ પાસે બેસાડ્યાં. 

“નિધિ, ઝરણાં અને ઝીલ તથા રશ્મિન, હું તમારાં બધાંનો ગુનેગાર છું. સૌથી વધારે તો નિધિ અને ઝીલ, ઝરણાંનો. મેં માફ ના કરી શકાય તેવી બહુ મોટી ભૂલ કરી છે. હું જ્યાં સીક્યોરીટીનું કામ કરતો હતો ત્યાં એક સ્ત્રીનાં ચક્કરમાં પડી ગયો હતો. દિવસરાત એને ત્યાં જ પડી રહેતો હતો. એનાં ઉપર મેં મારી કમાણી અને આપણી કરેલી બચત વાપરી નાંખી હતી. મને હતું કે તે મને પ્રેમ કરે છે. હું આંધળો બની ગયો હતો.”

સહેજવાર થંભી તેણે ફરી ચાલુ કર્યુ, 

“તેની પાછળ પાગલ બની ગયો હતો. તેને ના મળતાં ગુસ્સામાં રહેવાં માંડ્યો હતો. તે દિવસે કર્ફ્યુમાંથી થોડી છૂટ મળતાં જ હું ત્યાં પહોંચી ગયેલો. પણ ત્યાં જઈને જોયું તો એ બિલ્ડીંગમાં જ રહેતાં બીજાં કોઈની સાથે હતી.”

રાહુલની આંખો ભીની થઈ ગઈ. તેણે ડૂમો ગળી જઈ આગળ બોલવાં માંડ્યું,

“મેં તારો વિશ્વાસઘાત કર્યોં, નિધિ. તારાં અને છોકરીઓનાં મોંઢાંમાંથી કોળિયાં છીનવી લીધાં તેની સજા મને ઈશ્વરે કરી. હું તમને કોઈને મોં બતાવવાને લાયક રહ્યો નથી. ‘કેમ કરીને મરી જાઉં’ તેવું રૂમ બંધ કરી વિચાર્યાં કરતો હતો. પણ આજે તેં મારી આંખો પણ ખોલી અને મને મારી ભૂલ કબૂલ કરવાની હિંમત પણ આપી.”

“મને ખબર છે કે તને મારાં પર શંકા હતી જ. પણ હું તારો સામનો કરી શકું તેમ નહોતો એટલે તને ટાળ્યાં કરતો હતો. તેં એકલાંએ આજ સુધી પરિસ્થિતિ સામે ઝઝૂમ્યાં કર્યું. કદીયે ફરિયાદ ના કરી. આજે પણ તેં રશ્મિનને બોલાવ્યો મદદ માટે, પણ મારી ફરિયાદ ના કરી. તું ધારત તો મારી વાત બધાંને જણાવી મને બધાં આગળ નીચો દેખાડી શક્ત. પણ તેં એવું ના કર્યું. તારી હિંમત અને સ્વાભિમાને મને પણ આજે સાચું બોલવાની હિંમત આપી.” રાહુલ સાચે જ નિધિનાં પગમાં પડી ગયો. 

નિધિ અને રશ્મિન અવાક્ બની ગયાં હતાં. ઝીલ ઝરણાંને પૂરેપૂરી વાત ના સમજાઈ પણ ઘણું બધું સમજાયું તેટલે તે બંને પણ આભા બની જોઈ રહ્યા હતાં. 

“રાહુલકુમાર” રશ્મિને પહેલી સ્વસ્થતા કેળવી. તેણે રાહુલને નીચેથી ઊભો કર્યો, “માણસને પોતાની ભૂલ સમજાઈ જાય ત્યારે નવો દિવસ ઊગે છે ! મને ખબર નથી કે નિધિ અને છોકરીઓ તમને માફ કરશે કે નહીં. પણ આજે તમે નીચે પડ્યાં પછી પણ મારાં હ્રદયમાં સ્થાન બનાવી લીધું છે. હું મોટીબેનને કોઈ જાતનું દબાણ નહીં કરું. મને મારી બેન પર પૂરો વિશ્વાસ છે કે એ જે નિર્ણય લેશે તે યોગ્ય જ હશે. આટલી મોટી ભૂલ કર્યાં પછી તેની કબૂલાત પણ બહુ મોટી હિંમત માંગી લે છે ! મોટીબેન, તમે જે નિર્ણય લેશો તેમાં તમારો આ ભાઈ તમારી સાથે જ છે. અને મારી પાસે જે કાંઈ છે તે, આપણાં માતાપિતાની જે કાંઈ મિલકત છે તે બધાંમાં હું તમારો ભાગ જરૂર ગણીશ. માટે આર્થિક રીતે પણ તમને મારો પૂરો સહકાર હશે.”

રશ્મિન ચૂપ થઈ એકબાજુ બેઠો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. થોડીવાર વિચારીને નિધિ બોલી,

“રાહુલ, ભૂલ તો ઈશ્વર પણ માફ કરે છે. તો નહીં માફ કરનાર હું કોણ ? ઝીલ અને ઝરણાંને માતા સાથે પિતાની પણ એટલી જ જરૂર છે. એકવાર કદાચ હું માફ ના કરું તો પણ મને કોઈ અધિકાર નથી કે જ્યારે તને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને તું ક્યારેય આવી ભૂલ નહીં કરવાનું વચન આપે છે ત્યારે હું ઝીલ ઝરણાંના માથા પરથી પિતાનો હાથ છીનવી લઉં !”

કર્ફ્યુનો સમય પતી જવાં આવ્યો હતો તેથી રશ્મિન ઘરે જવાં નીકળી ગયો. 

આજે કેટલાં વર્ષો પછી ઘરમાં ફરી ઉત્સાહ અને કિલ્લોલનું વાતાવરણ સર્જાયું. આજે જીવનમાં પહેલીવાર બધાંએ ભેગાં થઈ રસોઈ બનાવી. ચારપાંચ વર્ષ પછી ઘરમાં આજે લાપસી, દાળભાત, શાક, પુરી અને ભજીયાં બન્યાં. એમનાં ઘરમાંથી આટલો બધો અવાજ અને ગરમાગરમ જમવાનાંની વિવિધ સુગંધી આવતાં બાજુવાળાં શીતલબેને બારી ખોલી બૂમ પાડી, 

“નિધિ, ઓ નિધિ, આજે કાંઈ તહેવાર છે તમારો ? તારો ભાઈ આવેલો. આ બધી સરસ સરસ રસોઈની સુગંધી આવે છે. બધાંની ધમાચકડીનો અવાજ આવે છે ને કાંઈ !”

“હા, માસી, આજે અમારાં ઘરનો ખાસ તહેવાર છે. એટલે ઉજવીએ છીએ. તમારી બારી ખુલ્લી રાખો, હું લાપસી ને ભજીયાં ઢાંકી જાઉં ! તમે બારીમાંથી ખસી જજો હું મૂકવાં આવું ત્યારે !”

નિધિનું હાસ્ય કાંઈ સમાતું નહોતું. તેનાં પગ થનગનતાં હતાં. તેણે ભાઈએ લાવેલ નવાં ફ્રોક છોકરીઓને પહેરાવ્યાં, નવું શર્ટપેન્ટ રાહુલને પહેરવાં આપ્યું અને પોતે પણ ભાઈનું આપેલ નવું પંજાબી પહેર્યું. ફોનમાં ચારે જણે જમવાની થાળી પીરસી સેલ્ફી લીધી. 

તેનાં હોઠ આપોઆપ ગણગણી ઊઠ્યાં,

“આજ મારે આંગણે ઉત્સવ આવીયો રે લોલ…”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy