આધુનિક સ્ત્રી
આધુનિક સ્ત્રી
રમણીકલાલ હીંચકે બેઠાં-બેઠાં વિચાર તંદ્રામાં સરી પડ્યાં. જેમ-જેમ પગની ઠેસથી હીંચકાની ગતિ વધતી ગઈ, તેમ-તેમ તેમનાં વિચારોની ગાડી પણ ભૂતકાળનાં પાટા પર તેજ ગતિથી દોડવા લાગી. લગભગ ઘણાં વર્ષોથી રોજ બાલ્કનીનાં હીંચકે બેસતાં, આજે એમને કંઈક અલગ જ અનુભૂતિ થઈ રહી હતી.
આજે એમની વર્ષગાંઠ હતી. એમની આંખ આગળ બાળપણ તરવરી રહ્યું. બાળપણમાં વર્ષગાંઠના દિવસે બા સવારે તેમનો ભાવતો શીરો બનાવતી. તેઓ તેમની મમ્મીને 'બા' કહેતા. બા તેમને આંગળી પકડીને મંદિરે લઇ જતી. સવાર-સાંજનાં ભોજનમાં તેમની મનપસંદ વસ્તુથી થાળી ભરાઈ જતી. ક્યારેક તો બા અનાથ-આશ્રમમાં જઈને તેમના હાથે બાળકોને ભોજન કરાવીને વર્ષગાંઠ ઉજવતી. દર વખતે સાંજે અચૂક ગૌશાળામાં જઈને તેમનાં હાથે ગાયોને ઘાસ ખવડાવવાનો આગ્રહ રાખતી.
લગ્ન પછી શીલા પણ દર વખતે નવું-નવું બનાવતી ને પરિવાર સાથે તેમની વર્ષગાંઠની ઉજવણી થતી. એમને ક્યારેય કોઈની બર્થ-ડેમાં ખાસ રસ નહતો. હમણાં ગયા મહિને જ દીકરાની દીકરી એન્જલનો બર્થ-ડે હતો. કેટલો ધામધૂમથી ઉજવેલો. પરંતુ રમણીકલાલે ખાસ કોઈ ઉત્સાહ બતાવ્યો નહતો. તેમને થતું, "જિંદગીમાંથી એક વરસ ઓછું થયું એમાં વળી આનંદ શેનો ? કેક કાપવી ને મીણબતી ઓલવવી એ તો પાશ્ચાત્ય સંસ્કૃતિની રીત છે. આપણી સંસ્કૃતિમાં કશું કાપવાનું ના હોય. જોડવાનું હોય. મોં મીઠું કરવું જ હોય તો લાડુ કે બીજી મિઠાઈ ખાઈને પણ કરી જ શકાય ને. આપણે ફૂંક મારીને મીણબતી ઓલવવાને બદલે દીવો પ્રગટાવીને જિંદગીમાં અજવાળું ફેલાવવાનું હોય." આવું બધું એ દ્રઢપણે માનતાં પણ કદી કોઈને કાંઈ કહેતાં નહિ.
આજે એ મનોમન એમની બા, એમની પત્ની અને વહુની સરખામણી કરવા લાગ્યા. "બાનો જમાનો હતો ત્યારે, બા કૂવેથી પાણી લાવતી. કપડાં ધોવા માટે તળાવે જતી. કોઈનાં ઘરે જઈને મોટી હાથની ઘંટીમાં ઘઉં દળતી. ચૂલા પર રસોઇ બનાવવા માટે લાકડાં લેવા જતી. છાણ લાવીને છાણાં થાપતી. ચૂલો ફૂંકી-ફૂંકીને રસોઈ બનાવતી. તે કેટલું કામ કરતી. તેમની પત્નીને બા કરતાં થોડું અલગ કામ હતું. કામ પણ થોડું ઓછું હતું. પાણી નળમાં આવવા લાગ્યું અને ચૂલાને બદલે પ્રાઈમસ આવી ગયા. એટલે રમણીકલાલને લાગતું કે મારી બા ને બદલે પત્નીને કેવું સુખ છે. તેમની વહુ તો વળી સાવ આધુનિક જમાનાની. ભણેલી-ગણેલી અને પાછી નોકરી કરતી. નોકરી પણ કેવી ? એકાઉન્ટન્ટની. એટલે હિસાબમાં પાક્કી. એમની વહુ તો ફ્રીઝ, વોશિંગ મશીન, ઓવન વાપરતી. બર્થ-ડે એનીવર્સરી જેવાં ખાસ દિવસોમાં હોટલોમાં જમવા જતાં. બહારથી ક્યારેક પાર્સલ આવતું એમ કહીને કે "આજે બહુ કામ હતું તેથી ઘરે આવતાં મોડું થઈ ગયું. હું ક્યારે જમવાનું બનાવીશ ને ક્યારે તમે બધાં જમશો ? તમને બધાંને ભૂખ લાગી હશે." ત્યારે તે કંઈ બોલતાં નહિ ને ચૂપચાપ જમી લેતા. પરંતુ તેમને એમ થતું કે," આ વહુ કેટલી સુખ-સાહેબીમાં રાચે છે."
"હેપી બર્થ-ડે પપ્પા, હેપી બર્થ-ડે દાદાજી," તેમનો દીકરો-વહુ અને દીકરાની દીકરી કેક લઈને સામે ઉભા હતાં. એકદમ ગહન વિચારોમાં ડૂબેલાં રમણીકભાઈ અવાજ સાંભળીને ચોંકી ગયા. આમ, અચાનક બધાંને જોઈને અવાક બની ગયા. એટલા ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા કે આ બધાં ક્યારે એમની સામે આવીને ઉભા રહી ગયાં તેનો તેમને ખ્યાલ જ ન રહ્યો.
"થેન્ક યુ, બેટા" નાની દિકરીનાં માથે હાથ મૂકતાં, હીંચકા પરથી ઉભા થતાં અને દીકરા-વહુ તરફ નજર કરતાં આશ્ચર્ય-ખુશી મિશ્રિત ભાવ સાથે બોલ્યાં.
"એન્જલ બેટા, એ તો કહો આ કેક ક્યાંથી આવી ? અત્યારે તો બધું બંધ છે ને ?"
"દાદાજી, આ કેક તો મમ્મીએ બનાવી છે."
"હેં, સાચે આટલી સરસ.. બહાર મળે છે એવું જ ડેકોરેશન. એવાં જ ફૂલ ને... આ બધું તમે કઈ રીતે કર્યું વહુ બેટા?"
"દાદાજી, કાલે મમ્મી બજાર ગઈ હતી ને તે વખતે બધો સામાન લઈ આવી. યુટ્યુબ પર જોઈને બનાવી છે. મેં અને પપ્પાએ પણ મદદ કરી છે."
"વાહ ! મોબાઈલનો સદ્ ઉપયોગ. અમારાં જમાનામાં તો ફોન ફક્ત વાત કરવા માટે જ કામ લાગતો. પહેલાં તો અમારા ઘરમાં ફોન પણ નહોતો. પડોશમાં કોઈનાં ઘેર હોય તો સગા-વહાલાંને એનો નંબર આપતાં. અમારે ફોન કરવો હોય તો એસ.ટી.ડી, પી.સી.ઓ બુથ પર જવું પડતું. લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું. એક રૂપિયાનો સિક્કો નાંખીને ફોન કરતાં. એમાં પણ જો રોંગ નંબર લાગી જાય તો રૂપિયો ગયો સમજો."
"તે હેં દાદાજી, આપણાં ઘરે ફોન નહોતો ?
"આપણાં ઘરે તો પછી લેન્ડ લાઈન ફોન આવ
્યો. ડબલું" કહીને હસી પડ્યાં."
"તો તમે ઓફીસેથી લેટ આવવાનાં હોવ તો દાદીને કેવી રીતે ખબર પડે ?"
"ચાલો, એ બધી વાત પછી કરીએ. રોજ તું મારી પાસે આવજે. આપણે હીંચકે બેસીને ટપાલ, અંતરદેશી પત્ર ને ટેલીફોન બધાંની વાતો વિગતે કરીશું. પરંતુ મારી એક શરત છે, તારે મને સ્માર્ટફોન કેવી રીતે વાપરવાનો તે શીખવવું પડશે."
"હા દાદાજી, તમારી શરત મંજૂર છે."
રમણીકલાલે એન્જલને ઉંચકી લેતાં વહુ સામે જોઈને કહ્યું, "વહુ બેટા, મેં ના પાડી'તીને.. ઘરમાં જે હોય એનાથી ચલાવજો. બહાર જવાની કંઈ જરુર નથી. કેમ ભૂલી ગયાં ?"
"ના, પપ્પાજી બિલકુલ નથી ભૂલી. મને સારી રીતે યાદ છે. બધાં વગર ચાલે પણ તમારી દવા વગર કેવી રીતે ચાલે કહો જોઉં."
"એકલી દવા લઈને ફટાફટ આવી જવું હતું ને.. જેટલી વધારે વસ્તુ લેવા જાવ એટલો સમય વધારે ઘરની બહાર રહેવું પડે. આ બધાની શું જરૂર હતી ?"
"જુઓ પપ્પાજી, હું બધું લીસ્ટ બનાવીને ગઈ હતી. પહેલાં નજીકની કરિયાણાની દુકાને ગઈ. ત્યાં મેં એ લીસ્ટ આપી દીધું પછી હું મેડીકલ સ્ટોરમાં ગઈ. ત્યાં પણ જે-તે દવાનું લીસ્ટ આપીને નજીકમાં શાકભાજી લઈને બેઠેલાં હતાં ત્યાં ગઈ. શાકભાજીવાળાએ એકેક મીટરનાં અંતરે સફેદ કુંડાળા દોરેલા હતાં. તેમાં ઉભી રહી ને મારો નંબર આવ્યો એટલે ફટાફટ શાકભાજી લઈને સીધી મેડીકલ સ્ટોરમાં ગઈ. તેને દવા સાથે બિલ તૈયાર જ રાખેલું. એ લઈને કરિયાણાની દુકાનમાં ગઈ. એને પણ બિલ સાથે બધું તૈયાર જ રાખેલું. બધું લઈને ફટાફટ ઘરે આવી ગઈ."
"અરે હા ! એક વાત તો કહેવાની ભૂલાઈ જ ગઈ. આ બધાનું પેમેન્ટ મેં પેટીએમથી કર્યું. એટલે કોઈ જગ્યાએ વધારે વખત રોકાઈ નથી."
"તો પણ બેટા, પૂરી સાવચેતી રાખી કે નહિ?"
"હા પપ્પા, તમે બિલકુલ ચિંતા ના કરો. હું માસ્ક પહેરીને ગઈ હતી. સાથે સેનેટાઈઝર પણ લઈને ગઈ હતી. 10-10 મિનિટે સેનેટાઈઝરનો ઉપયોગ કર્યો હતો. આપણી સોસાયટીનો ગેટ પણ અમુક સમય સુધી જ ખોલે છે તે પણ ફક્ત લેડીઝ માટે. તમને ખબર છે આપણી સોસાયટીનાં ગેટ પાસે પણ સેનેટાઈઝર મૂક્યું છે. આપણી સોસાયટીમાં બહારની કોઈપણ વ્યક્તિને પ્રવેશ નથી. કામવાળીબાઈ, દૂધવાળો, પેપરવાળા પર પ્રતિબંધ છે. કોઈના ગેસ્ટને પણ પ્રવેશ નહિ."
"અરે ! પપ્પા, આજે તમે ચિંતામુક્ત થઈને બસ તમારી બર્થ-ડેનો ઉત્સવ મનાવો. એ બધું અમે જોઈ લઈશું." અત્યાર સુધી શાંતિથી આ બધી વાત સાંભળી રહેલો દીકરો પપ્પાને રૂમ તરફ દોરી જતાં બોલ્યો."
દીકરા-વહુ અને એન્જલની ખુશી જોઈને તેમણે ક્યારે મીણબતીને ફૂંક મારી દીધી તેનો પણ ખ્યાલ ના રહ્યો. બધાંની ખુશીમાં આજે તેમને પહેલીવાર આટલા ઉત્સાહથી કેક કાપી. તેમને વિચાર્યું, "સંસ્કૃતિ ગમે તેની હોય. પરિવારની ખુશીથી વિશેષ બીજું કંઈ નથી. મારો પરિવાર ખુશ તો હું પણ ખુશ."
"વહુ દીકરા, આજે મારે તમને એક વાત કહેવી છે. આજે મને અહેસાસ થયો કે "કોરોના વાયરસ"ના લીધે લોકડાઉનના આ દિવસોમાં સ્ત્રીઓ માટે કુકિંગનું કૌશલ્ય બતાવવાનું કેટલું કપરું છે. ઓછામાં ઓછી વસ્તુઓથી બધાને ભાવતું ભોજન બનાવવાનું. બધાંને ખુશ રાખવાના કીમિયાની સાથે ઘરનું કામ-કાજ સંભાળવાનું. વળી, તમે તો ઓફિસનું કામ પણ ઘરે રહીને કરો છો. તેમાં પણ બાળકોને તેમની ગમતી ગેમ રમાડી ને ઘરમાં જ રાખવાનાં. સાથે-સાથે બધાંની તબિયતનું પણ ધ્યાન રાખવાનું."
"મારી બા કહેતી, "સ્ત્રી ધારે તે કરી શકે."
"કોઈપણ સ્ત્રી, દરેક ચેલેન્જને સારી રીતે ઉપાડી ને નિભાવી શકે એ વાત તો ચોક્કસ જ છે."
"આધુનિકરણ થવાથી સ્ત્રીનું જીવન ભલે બદલાયું હોય પણ જવાબદારી તો એની એ જ છે. એની કુશળતા તો આજે પણ એટલી જ છે. સ્ત્રી એ સ્ત્રી છે. સ્ત્રી ગમે તેવી પરિસ્થિતિમાં રહી શકે છે. સ્ત્રી ચૂલો ફૂંકીને પણ ઘરને સાચવતી અને આજે આધુનિક જમાના સાથે તાલ મેળવીને, નોકરી સાથે ઘર-પરિવારને પણ સાચવે છે. છેવટે, દરેક સ્ત્રીનો ઉદ્દેશ તો પોતાના પરિવારને સાચવવાનો જ હોય છે. જમાનો ગમે તેટલો આગળ નીકળી ગયો હોય પણ સ્ત્રી પોતાની જવાબદારીમાંથી ક્યારેય છટકી શકતી નથી. આજે મને તમારામાં મારી માનાં ગુણોનાં દર્શન થાય છે. મારે દીકરી કે બહેન તો નથી. પણ કદાચ, એ હોત તો ચોક્કસ તારા જેવી જ હોત."
ક્યારની રમણીકલાલની વાતો ધ્યાનથી સાંભળી રહેલી ઈશા પહેલીવાર સસરાનો તુંકારો સાંભળીને ભાવવિભોર બની ગઈ. તે આંસુ લૂછતી આવી ને રમણીકલાલનાં પગમાં પડી ગઈ.