Lata Bhatt

Drama Thriller

3  

Lata Bhatt

Drama Thriller

આધિપત્ય

આધિપત્ય

6 mins
8.2K


આધિપત્ય

આંખ સામે શૂન્યાવકાશ છવાઇ ગયો, મગજ જાણે સૂમ થઇ ગયું. હું સાંનિધ્યા સંકેતથી છૂટી પડી. અત્યાર સુધી અમારી વચ્ચે એક પણ વાર ઝગડો નહોતો થયો. મેં સ્વપનેય નહોતું વિચાર્યું કે મારે આ દિવસ જોવાનો આવશે. સંકેત મારું સર્વસ્વ હતો. મારી જાત મેં સંપૂર્ણ ઓગાળી દીધી હતી તેનામાં..બદલામાં કોઇ અપેક્ષા નહોતી. ઘણી ખૂબીઓ હતી તેનામાં …ખામીઓ પણ… ખૂબી પર હું ઓવારી જતી. ખામીને સહજપણે સ્વીકારતી. મે તેને ક્યારેય બદલવા પ્રયત્ન નહોતો કર્યો કે નહોતો પ્રયત્ન કર્યો તેના કોઇ હિસ્સાને બદલવા.. તેના સંપૂર્ણ વ્યક્તિત્વને મેં પ્રેમ કર્યો હતો. મારી સવાર તેનાથી શરુ થતી ને રાત એના વડે પૂરી થતી. પ્રેમના આ પ્રવાહમાં હું તણાતી જતી હતી. મારી જાણ બહાર હું મારાપણું ખોઇ બેઠી હતી.

સંકેતને મળી તે પહેલા હું એક સ્વતંત્ર વિચારસરણીવાળી વ્યક્તિ હતી. મારા નિર્ણયો મારી જાતે લેતી. મમ્મી પપ્પાએ નાનપણથી જ મને એ આદત પાડી હતી. હું સમજણી થઇ ત્યારથી મારા કપડા, રમકડાં, દફ્તર, બૂટ-મોજા લેવા મને લઇને જતા. મને જે ગમે તે જ લઇ આપતા. ખાવાપીવાની બાબતમાં પણ એવી જ સ્વતંત્રતા, મને ભાવતી વાનગી જ ખાતી. મિત્રોની બાબતમાં પણ એવું જ સ્વાતંત્ર્ય…હું એ જ સંબંધને માનતી, જેની સાથે મારું મન મળી ગયું હોય. માત્ર હાય હેલ્લૉ કરવાના સંબંધ મારી પાસે બહું ઓછા હતા. મારી કારકિર્દી મેં જાતે જ નક્કી કરી હતી. મમ્મી પપ્પા બંને ડૉક્ટર હોવા છતા તેમણે મને આર્ટસમાં જવાની પરવાનગી આપી. મને ગુજરાતી સાહિત્યમાં રસ હોવાથી મેં ગુજરાતી સાથે બી.એ. કર્યું ને એમ એ.ના બીજા વરસમાં વકૃત્વસ્પર્ધામાં સંકેતે મને હરાવી ને મારુ દિલ પણ હારી બેઠી. દિલ એના પર વારી ગયું. અમે સાથે ત્રણચાર મહીના હર્યા ફર્યા ને સંકેતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ક્યારેય નહીં ને તે સમયે મમ્મીએ મને ટોકી. પપ્પાનો પણ એજ અભિપ્રાય હતો કે તમે બંને હજુ એકબીજાને સારી રીતે સમજો એકબીજાને જાણવા માટે સમય આપો, પણ સંકેતે કહ્યુ, “કાં હમણાં કાં ક્યારેય નહીં” અને તેણે કારણ પણ આપ્યું કે તેના માટે હવે છોકરી જોવાનું શરુ થઇ ગયું છે ને જો હા હોય તો જ …મને પણ તેની વાત યોગ્ય લાગી. મારા મમ્મી પપ્પા તેના મમ્મી પપ્પાને મળ્યા. સંકેતની ઇચ્છા સાદાઇથી લગ્ન કરવાની હતી ને એક નાનો સમારંભ યોજી, વડીલોના આશિર્વાદ સાથે અમે એક સૂત્રે જોડાઇ ગયા.

લગ્ન પછીની મારી આખી જીંદગી બદલાઇ ગઇ. હું જાણે કે એક કઠપૂતળી થઇ ગઇ. મારે ક્યાં જવું ક્યારે જવું એ તો સંકેત નક્કી કરતો, પણ મારે ક્યારે પાછા ફરવું એ પણ પહેલેથી નિશ્ચિત રહેતું ને શું પહેરવું ઓઢવું, શું ખાવું પીવું તે પણ તે જ નક્કી કરતો. હનીમૂન માટેનું સ્થળ ય સંકેતે જ નક્કી કર્યું હતું. અમે ડીનર કે લંચ માટે હોટલમાં જઇએ ત્યારે ભાગ્યેજ તે મને પૂછતો. પોતાની રીતે મેનું જોઇ ખાવાનું ઓડર કરી દેતો ક્યારેક હું કોઇ સજેસ્ટ કરુ તો કોઇ પણ બહાનું બતાવી તે ટાળી દેતો. બંને માટે અલગ અલગ વાનગી મંગાવી શકાય એ વાત જ મેં ઘણા સમય પછી વિચારી. શોપીંગ કરવા અમે સાથે જતા પણ પસંદગી તો તેની જ રહેતી ..એક બે વખત તો મારી રીતે મેં શોપીંગ કર્યું ત્યારે તેણે એવા નકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો કે એ કૂર્તી કે એ સાડી મેં ક્યારેય પહેરી નહોતી. બહાર જતી વખતે મારે શું પહેરવું તે પહેલેથી જ તે નક્કી કરી દેતો જો ભૂલે ચૂકે ય બીજું કંઇ પહેર્યું હોય તો તે મને તે બદલાવી લેવા કહેતો. એક વાર તો પિક્ચરના શો નો સમય થઇ ગયો હતો તેથી ઉતાવળમાં મેં જલ્દી પહેરી શકાય તેવા કૂર્તી પાયજામો પહેરી લીધા તો પરાણે મને જીન્સ ટીશર્ટ પહેરાવી. અમે શોમાં પંદર મિનિટ મોડા પહોંચ્યા તે દિવસે મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ સંકેતને કારમાં ગીત લલકારતો જોઇ હું મારો ગુસ્સો ભૂલી ગઇ.

મને લાંબા વાળ ખૂબ ગમતા. વારસામાં મને મળેલા. નાની હતી ત્યારે શાળામાં ફરજીયાત બે ચોટલા અથવા બે પોની લેવાની રહેતી. મમ્મીને ખબર હતી કે મને લાંબા વાળ ગમે છે તેથી મમ્મી મારા વાળ કપાવતી નહીં. ભલે મમ્મીને મારુ માથુ ઓળવામાં વાર લાગતી, પણ લગ્ન પછી સંકેત મારા લાંબા વાળ કપાવીને જ જંપ્યો.

એક વખત મમ્મી પાસે મારાથી બોલાઇ ગયું સંકેતને એ નહીં ગમે….મમ્મીએ પૂછ્યું અને તને?. અને તને? ને મેં બહું યાદ કરવા પ્રયત્ન કર્યો. એવો એકેય પ્રસંગ મને યાદ ન આવ્યો કે જેમાં મારી પસંદગીને મહત્વ મળ્યુ હોય.

લગ્ન પછી તરત જ બાળકના આગમન માટે હું તૈયાર નહોતી, પણ સંકેતના મમ્મી પપ્પાને પૌત્ર કે પૌત્રીની અપેક્ષા હતી ને અમે કોઇ ફેમીલી પ્લાનીંગ ન કર્યું. જો કે સંકેતે કારણ પણ આપ્યું. સંકેતના મોટાભાઇને પણ કોઇ બાળક નહોતુ ને લગ્નના દોઢ વરસ પછી ઘરમાં પારણું બંધાયું, પુત્રનું આગમન થયું …નામ પાડવાની બાબતમાં પણ એવું જ થયું. તેના મમ્મી પપ્પા અને ભાઇ-ભાભી સાથે ચર્ચા કરી ને નામ પાડી દીધુ.. ચિરાગ. હજુ તો હોસ્પીટલમાંથી રજા મળે તે પહેલા તો તેનું નામ પડી ચૂક્યું હતું મને એ નામ જરાય પસંદ નહોતું હું તો રાશિ પ્રમાણે નામ પાડવા પણ નહોતી માગતી મારે કોઇ યુનિક નામ પાડવું હતું.

ડિલીવરી કરવા હું પિયર ગઇ હતી ડિલીવરી પછી સંકેત અમને લેવા આવ્યો મેં કહ્યું, હું મમ્મીને ત્યા બેએક મહિના રહેવા માંગું છું, આરામ કરવા ..પણ સંકેત કહે તને ત્યાં કોણ કામ કરાવવાનું છે, મમ્મી પપ્પા હવે આપણે ત્યાં જ રહેશે, તારી પૂરી સંભાળ લેશે. ને કામ માટે ચોવીસ કલાકની કામવાળી રાખી લેશું. મેં તેને ઘણો સમજાવવા પ્રયત્ન કર્યો. પણ તે ન માન્યો એટલે મેં તેને કહ્યું, "સંકેત, તારા કહેવાથી હું તારી સાથે આવતી પણ રહું. આ એક બાબતનો સવાલ નથી. હું તારી પસંદગીનો હંમેશા ખ્યાલ રાખું છું પણ તે ક્યારેય મારી પસંદગીને મહત્વ આપ્યું છે? પ્રેમનો અર્થ એવો થોડો છે કે માત્ર એક જ વ્યક્તિનું પૂરેપૂરું સમર્પણ હોય? મને એ વાતનો હવે જ અહેસાસ થયો. તને જ્યારે એ વાતનો અહેસાસ થશે ત્યારે હું દોડીને તારી પાસે આવતી રહીશ. પણ હમણાં તો નહીં જ." સંકેતે મારી કોઇ વાત સાંભળી નહીં. તે ગુસ્સે થઇ ગયો.“ તો પછી તું કાયમ માટે મમ્મી પપ્પાને ત્યાં રહે.” કહી જતો રહ્યો.

સંકેતના આ વર્તનથી મને ખૂબ માઠું લાગ્યું. મેં પણ મનમાં નક્કી કર્યું કે હવે સંકેત મને લેવા આવશે ત્યારે જ હું જઇશ. હવે મને અહેસાસ થયો. એક નિરભ્રમ આકાશ છોડીને મેં પીંજરામાં પૂરાવાનું પસંદ કર્યું હતું. મેં પોતે જ મારી પાંખ કાપી નાખી હતી. કદાચ દિલે મને એમ કરવા મજબૂર કરી હતી સંકેતનું ચૂંબકીય વ્યક્તિત્વ અને વાકપટુતા સતત મને એના ભણી ખેંચી રાખતા. સંકેત સિવાયની સાંનિધ્યાની ..એવી કોઇ કલ્પના પણ કરી શકું તેમ નહોતી.

બે મહીના પછી તેના મમ્મી પપ્પા મને લેવા આવ્યા. તેમણે મારી અને મારા મમ્મી પપ્પાની માફી માગી. હું હવે કોઇ પણ સંજોગોમાં નમતું જોખવા નહોતી માંગતી. જો સંકેતને મારા માટે સાચો પ્રેમ હશે તો એ મને લેવા આવશે અને જો એ મને પ્રેમ જ ન કરતો હોય તો ત્યાં જવાનો કોઇ સવાલ જ નથી. જો કે મને પોતાને ખબર હતી કે સંકેતને હું ભૂલી શકુ તેમ નથી દરેક ક્ષણે હું તેને યાદ કરતી.

હું બહાર હીચકા પર બેઠી હતી ને એક માણસ આવ્યો. મારા હાથમાં એક કવર આપ્યું. સંકેતે અદાલતનો આશરો લીધો હતો. છૂટાછેડાની નોટિસ મોકલી હતી. થોડીવાર માટે તો શું બોલવું તે સમજાયું નહીં. હું સૂમ થઇ ગઇ. મારા આ દિલનું શું કરુ, ઘડી પહેલા કરેલ નિર્ણય બદલાઇ ગયો. મનમાં થયું સંકેતની માફી માગી લઉ. મારું તો ઠીક પણ કેટલા વ્હાલથી તેણે અમારા બાળકને ઉંચકી લીધો હતો. તેને પિતા, દાદા, દાદી મોટા કાકા કાકીના પ્રેમથી વંચિત રાખવો એ ય યોગ્ય નહોતું જ.

ઝૂલાની સાથે મનની સ્થિતિ પણ ડોલતી હતી. દિલ કહેતું હતું કે દોડીને એની પાસે પહોંચી જાઉ ને દિમાગ કંઇક અલગ જ કહેતું હતું… મેં મમ્મી-પપ્પાને મારી વિડંબના જણાવી. મમ્મી પપ્પાએ તે નિર્ણય મારા પર છોડ્યો. મારું દિલ રોજ સંકેતની રાહ જોતું, નજર દ્વાર પર રહેતી. કોઇનો ફોન આવે તોય લેવા દોડી જતી ને એક દિવસ ફોન આવ્યો. ફોન સંકેતના પપ્પાનો હતો. સંકેતને અકસ્માત થયો હતો. હું બેબાકળી બનીને હોસ્પીટલે જવા દોડી. મમ્મી પપ્પા હોસ્પીટલમાં જ હતા. સંકેત એક દિવસ તો બેભાન રહ્યો. બીજા દિવસે હું તેને મળી. સંકેતે મારી માફી માંગીને કહ્યું આવેશમાં આવીને મેં છૂટાછેડાની નોટિસ મોકલી હતી…હું પણ તને એટલું જ ચાહું છું, પણ મને એમ કે છૂટાછેડાની નોટિસ મોકલવાથી તું તરત મારી પાસે આવી જઇશ.

અમે ફરી એક થઇ ગયા, પણ હવે સંકેત મારી અને અમારા લાડલા પુત્રની પસંદગીનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે ને હું ફરી એ જ સાંનિધ્યા છું જે લગ્ન પહેલા હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama