Lata Bhatt

Fantasy Inspirational Children

0.8  

Lata Bhatt

Fantasy Inspirational Children

સોનેરી પીંછું

સોનેરી પીંછું

6 mins
14.5K


એક સરસ મજાનું લીલુંછમ જંગલ. નામ એનું સુંદરવન. એ જંગલમાં ઘણા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતું રહે. એમાં જંગલનો રાજા સિંહ, વાઘ, સૂંઢાળા હાથી, અટકચાળા વાંદરા, બીકણ સસલાં, મોટા અને વાંકડિયા શીંગડાવાળા હરણ, લાંબી ડોકવાળા જિરાફ, ચાલાક ચિત્તા, રુચ્છાદાર વાળવાળ રીંછ, નીલ ગાય, ઝરખ, કૂતરા, જંગલી બિલાડી, શિયાળ અને લોંકડી જેવા પ્રાણીઓ રહે સાથે કાળા કાગડા, લીલી લીલી પાંખવાળા ને લાલ વાંકી ચાંચવાળા, મીઠું મીઠું બોલતા પોપટ, સુંદર પીંછા અને કલગીવાળા મોર, કાળા રંગની અને કામણગારા કંઠવાળી કોયલ, ધોળા ધોળા બતક, શાહમૃગ, લક્કડખોદ, મેના જેવા પક્ષીઓ રહે તો સાથે જમીન પર સરકતો સાપ, ઉંદર, દેડકા, વીંછી, કીડી, જેવા જીવજંતું પણ રહે.

આ જંગલમાં એક મોર અને ઢેલ પણ રહે. મોરનું નામ મયુર અને ઢેલનું નામ બ્રિંદા. આ મયુરને સોનેરી કલગીને સુંદર રંગબેરંગી પીંછા, એ પીંછામાં એક પીંછું સોનેરી. મયુર જ્યારે કળા કરે ત્યારે આ પીંછું બરાબર વચ્ચે આવે. એમાંય જ્યારે અષાઢ મહિનો આવે, આભમાં વાદળા ઘેરાય ત્યારે તો મયુર સુંદર મજાનો નાચ કરે ને સાથે સાથે બ્રિંદા ગીત ગાય.

“નાચ રે મયુર, નાચ ઠમક ઠમક,

જોઇ રીઝુ તારા પીંછાની ચમક,

શોભે એમાં એક સોનેરી પીંછું;

જોવા ટોળે વળે સૌ એની દમક.”

મયુર અને બ્રિંદાના આ નૃત્યને જોવા ડબક દેડકી, મોહક મૃગ, જમ્બૂરો વાંદરો, કૃતા કોયલ, સૂડો પોપટ, સુમંત સસલો, ઢેબલ કાચબો, ચકચક ચકલી પણ આવેને સૌ સાથે પોતાને આવડે એવો ડાન્સ પણ કરે! જમ્બુરો તો ક્યારેક તાનમાં આવીને એક ડાળથી લટકીને બીજી ડાળ જાય ને જુદા જુદા લટકા મટકા કરે ને એયને લાંબા સૂરે ગીત ગાવા લાગે.

"હે... જી રે... હે મોરલા હે મોરલા...

નાચ તું મયુર ઠમક ઠમક,

ઢોલ વગાડું હું ઢમક ઢમક...”

જંગલમાં સૌ આનંદથી રહે. બ્રિંદાને મયુરનું સોનેરી પીંછું બહુ ગમે. બ્રિંદા એ સોનેરી પીંછાનું જતન કરે. મયુર રાતે સૂવે ત્યારે બ્રિંદા આ પીંછાને સંભાળીને પોતાની પાસે મૂકી દે.

એક વાર પૂનમની રાતે મયુર બ્રિંદા સાથે સહેજ ઊંચા ઝાડ પર સૂતો હતો. અચાનક તેની આંખ ખૂલી. જોયું તો આકાશમાં આખો ચાંદ ઊગ્યો હતો. આખા જંગલમાં તેની ચાંદની રેલાઇ હતી પીંછાં પર પણ ચાંદાનો પ્રકાશ પડતો હતો. પીછું ચમકતું હતું. મયુરે જોયું તો પીંછું બોલતું હતું.

“આવ રે આવ, મારી પાસે આવ,

તને સરસ મનગમતું રૂપ આપું.”

મયુરને તો આશ્ચર્ય થયું. પીછું હાથમાં લઇ મયુરે કહ્યું. “મને સરસ મજાનો લીલો પોપટ બનાવી દો.” થોડીવારમાં મયુરનું વજન ઘટી ગયું. ને મયુર પોપટ બની ગયો. લીલી લીલી સુંદર મજાની પાંખ ફૂંટી ને ચાંચ લાલ ને સહેજ વાંકી થઇ. મયુર તો આભમાં ઊડવા લાગ્યો તેને તો મજા આવી ગઇ તે ગીત ગાવા લાગ્યો,

“આભમાં ઊડવાની મજા પડે,

મજા પડે રે ભાઇ મજા પડે...”

ફરી તે ઝાડ પર આવ્યો ને પીંછું હાથમાં લીધું ફરી પીંછું બોલ્યું,

“આવ રે આવ મારી પાસે આવ,

તને સરસ મનગમતું રૂપ આપું...”

તેણે પીંછાને કહ્યું, "મને ફરી મોર બનાવી દો ફરી તે મયુર બની ગયો. બ્રિંદા તો ઘસઘસાટ સૂતી હતી. મયુર પણ સૂઇ ગયો. સવારે બ્રિંદાને આ વાત કરી. બ્રિંદા તો માને જ નહીં, તેણે કહ્યું, “તને સપનું આવ્યું હશે, એમ તે પીંછું થોડું બોલે!” ફરી બીજા દિવસે રાતે મયુર અને બ્રિંદાએ જોયું પીંછું બોલ્યું નહીં. રોજ જુએ, ફરી પૂનમ આવી. આકાશમાં આખો ચાદો ઊગ્યો પીંછું ચમકવા લાગ્યું. અને બોલવા લાગ્યું,

“આવ રે આવ મારી પાસે આવ,

તને સરસ મનગમતું રૂપ આપું..."

પીંછાંને બોલતું સાંભળી મયુરની આંખ ખુલી ગઇ. તરત તેણે બ્રિન્દાને જગાડીને કહ્યું, "જો બ્રિન્દા પીંછું બોલે છે. મયુરે પીંછું હાથમાં લીધું, પીંછું ફરી બોલ્યું,

“આવ રે આવ મારી પાસે આવ,

તને સરસ મનગમતું રૂપ આપુંં..."

"બોલ બ્રિન્દા આપણે શું બનવું છે?" બ્રિન્દા, "પાણીમાં તરતા હંસ. આપણે રોજ હંસીનીની જોડી જોતાં યાદ છે?" તેણે કહ્યું, "આપણે હંસ - હંસીની બની જઇએ?" પહેલા મયુરે પીંછું હાથમાં લઇને કહ્યું, “મને હંસ બનાવી દ્યો.” થોડીજ વારમાં તેનું રુપ અને રંગ બદલાવા લાગ્યા તે સરસ મજાનો સફેદ હંસ બની ગયો તે જોઇને બ્રિન્દાએ પણ પીંછું હાથમાં લઇ કહ્યું, “મને હંસીની બનાવી દ્યો." અને થોડી વારમાં તેય હંસીની બની ગઇ. બંન્નેએ પીંછાંને સંતાડીને ઝાડની બખોલમાં મૂકી દીધું. બન્ને સરોવર કિનારે આવ્યાં. પહેલાં તો પાણીમાં જતાં બીક લાગી તેથી જ્યાં પાણી બહું ઊંડું નહોતું તેવા છીછરા પાણીમાં ગયા પણ પછી તો ઊંડા પાણીમાં પણ તરવા લાગ્યાં. પાણીમાં તરવાની મજા પડી..

બ્રિંદા કહે, “હવે મારે સોનેરી હરણ બનવું છે, મારે સોનેરી હરણ થઇ આખુ જંગલ જોવું છે.” મયુર કહે, “મને નીંદર આવે છે, હું તો મયુર જ બનીશ. તરી તરીને હું તો થાકી ગયો છું.” ઝાડ પરથી ઉતરી પીંછાની મદદથી બ્રિંદા સોનેરી હરણ થઇ ગઇ. ખુશ થઇને તે તો જંગલમાં જવા ગઇ મયુરે તેને કહ્યું, “જો સવાર પડતાં પહેલાં આવી જજે, ને સિંહ, વાઘ, ચિત્તા, રીંછ એ બધાથી દૂર રહેજે.” તે દોડી ગઇ મયુરને એ પછી ઉંઘ આવી ગઇ. બ્રિંદા તો ઝરણા પાસે ગઇ. થોડીવાર પછી તેને થયું કે હવે હું પાછી ફરુંં પણ ત્યાં તો તેણે દૂરથી સિંહનું ટોળુ આવતું જોયું, બ્રિંદા એક ગુફામાં છૂપાઇ ગઇ. છેક સવારે તે પાછી ફરી પણ એ પછી સોનેરી પીંછું ચમકતું નહોતું. મયુરે બ્રિંદાને કહ્યું. ”હવે તારે ફરી આકાશમાં આખો ચાંદો ન ઊગે ત્યાં સુધી હરણ જ રહેવું પડશે.” હવે બ્રિંદાને સાવચેતીથી રહેવું પડતું. તે મોટે ભાગે તો મયુર સાથે જ રહેતી. ભૂખ લાગે ત્યારે જંગલમાં આંટો મારી લીલું ઘાસ ખાઇ આવતી.

એક વાર બાજુના ગામ કનકપુરથી કેટલાક લોકો પ્રાણીઓને પકડવા આવ્યા. તેઓ પ્રાણી સંગ્રહાલય માટે પ્રાણીઓને પકડીને લઇ જતા હતા. બ્રિંદા ઘાસ ખાવા જંગલમાં ગઇ હતી. આ સોનેરી હરણ તેમને ગમી ગયું. તેના પર જાળ નાખીને તેને પકડી લીધું. આ ઉપરાંત સિંહ, વાઘ, ચિત્તો, દિપડો, વાંદરાઓ, પોપટ, મેના એમ ઘણા પ્રાણી-પક્ષીઓને લઇ ગયાં. ચિન્તું વાદરો આ બધું જોતો હતો.. ક્યાં લઇ જાય છે, તે જોવા તે પાછળ પાછળ ગયો પણ પછી પાછો ફરી ગયો.

સાંજ પડી પણ બ્રિંદા પાછી ન ફરી. મયુર તેને શોધવા નીકળ્યો. તેણે જઇને બધાને પૂછ્યું, “સોનેરી હરણ કોઇએ જોયું છે?” ચિન્ટું વાંદરો તેની પાસે આવ્યો અને કહ્યું કે તેને તો કનકપુરના લોકો લઇ ગયા છે. મયુરે પૂછ્યું, “કેમ લઇ ગયા છે, ચિન્ટુ કહે, તે લોકો પ્રાણી સંગ્રહાલયમાં તેને રાખશે.” મયુરે પૂછ્યું, “પણ પ્રાણી સંગ્રહાલયમાં શા માટે રાખશે?” ચિન્ટું કહે, “બાળકો જુએ અને ખુશ થાય એટલા માટે." મયુર કહે. "તો શું એટલા માટે આપણને કેદ રાખવાના? હવે ત્યાં જવું કઇ રીતે? તે જોયું છે?" ચિન્ટુ કહે, “મેં તો જોયું છે પણ તેને છોડાવવા કઇ રીતે? પ્રાણીસંગ્રહલાયમાં તો માણસોને જ જવા દે અંદર ય પાછા એ બધાં કેદ હોય.”

મયુરે સોનેરી પીંછાની વાત કરી, ચિન્ટુ તો ખુશ થઇ ગયો. ફરી પૂનમ આવી. આકાશમાં આખો ચાંદો ઊગ્યો. ચિન્ટુ અને મયુર બંને સોનેરી પીંછાની મદદથી પંખી બની ગયા ને પીંછું સાથે લઇને ઊડતા ઊડતા સુંદરપુર ગયા. સંગ્રહાલયમાં ઉપર તો ખુલ્લું જ હતું. મયુરે બ્રિંદાને જગાડીને તેને પીંછાની મદદથી નાની ચકલી બનાવીને પીંજરાની બહાર કાઢી. પોપટ મેનાને મંકોડી બનાવી દીધા. આ રીતે રીછ, જીરાફ, સિંહ, વાઘને કાગડો કે ચકલી બનાવી બહાર કાઢ્યા. આમ બધા પ્રાણીઓ અને પક્ષીઓ પાંજરામાંથી બહાર નીકળી ગયાં. બધા ખુશ થઇ ગયા. કેદમાં રહેવું કોને ગમે? સંગ્રહાલયની બહાર નીકળી સૌ પંખી બની ગયા. ને ઊડીને સુંદરવનમાં પાછા આવી ગયા. આખું પંખીઘર ને પ્રાણીઘર ખાલી.

સવારે પ્રાણી સંગ્રહલાયના ચોકીદાર બધા પક્ષીઓ અને પ્રાણીઓને ખાવાનું આપવા આવ્યા. બધા પીંજરા ખાલી. તેને સમજાયું નહીં કે પ્રાણીઓ ને પક્ષીઓ આખરે પાંજરું ખોલ્યા વગર અને તોડ્યા વગર ક્યાં ગયાં અને કેવી રીતે ગયાં?

સુંદરવનમાં પાછા આવીને સૌએ પોતાને મનગમતું રૂપ લઇ લીધું અને હળીમળીને રહેવા લાગ્યાં. પછી તો જ્યારે પૂનમ આવે ત્યારે બધા મયુર પાસે આવી જાય. નાની નાની કીડી મોટોમસ હાથી બની જાય. ચકલી સસલી બની જાય. હરણ માછલી બને. સસલી, વાંદરી બનીને ઝાડ પર કૂદા કૂદ કરી લે. આમ જેને જે રુપ ગમે તે ધારણ કરે અને વહેલી સવારે સૌ પોતાના મૂળ રૂપમાં આવી જાય. આમ જંગલમાં સૌ મજા કરે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy