આભાર શિક્ષક
આભાર શિક્ષક
દરેક બાળકની જેમ મને પણ ભણવું ગમતું નહિ. આમ પણ રમવું તો જાણે કે મારા માટે સ્વર્ગીય સુખ. પરંતુ મારી એક ખાસિયત કે મને હારવું ના ગમે. શાળાએ જવાના સમયે અચૂક મારુ માથું દુઃખે કે પેટમાં દુ:ખે. શાળામાં ભણવામાં ધ્યાન પણ કોણ આપે ?
પરિણામ સ્વરૂપ મારુ સ્થાન કલાસરૂમની બહાર જ હોય. મને ભણવા માટે સમજાવવાના બધાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. ઘરના તથા શાળાના શિક્ષકો મારાથી કંટાળી ગયા હતા. મને વેકેશન ખૂબ ગમે.
એવામાં જ અમારી બાજુના ઘરમાં અમારી શાળાના શિક્ષક રહેવા આવ્યા. એમની દીકરી મારા જેટલી. હું તો બહુજ ખુશ થઈ ગઈ.
પરંતુ મારા શિક્ષક મારા તોફાનોથી પરિચિત હતા. તેમને તો મારા મમ્મી પપ્પા ને કહી દીધેલું કે હવે હું અહીં આવી ગયો છું. તમારી દીકરીની ચિંતા કરવાનું છોડી દો. જો કે એ વાતથી હું અજાણ હતી.
હું જયારે એમને ત્યાં રમવા જઉ ત્યારે એ પૂછે ,"આ વેકેશન માં કયાં જવું છે ? "
હું કંઈ જવાબ આપું એ પહેલાં એ દરેક જગ્યા વિષે માહિતી આપતાં. એ રીતે મને ભુગોળમાં રસ પડવા માંડયો. પછી અમુક જગ્યાનું ઐતિહાસિક મહત્વ કહેતા જે સાંભળવું મને ગમતું. મને પણ અવનવું જાણવામાં રસ પડવા માંડયો. એ શિક્ષકે એ મારા સ્વભાવનો લાભ ઉઠાવ્યો. મને કહે તમે બંને બહેનપણીઓ અંતાક્ષરી રમો પણ એમાં ગીતો નહીં અંગ્રેજીના સ્પેલિંગ. હું એ થી ચાલુ કરુ છું. એ ફોર એપલ. ઈ શબ્દ પરથી તારે બોલવાનું. હું એલીફન્ટ બોલી પણ નબળા અંગ્રેજીના કારણે હું હારી જતી. મને મારી હાર તો મંજૂર ના જ હોય એટલે હું જીતવા માટે વધુ ને વધુ વાંચવા લાગી. મને ધીરે ધીરે વાંચવાની ટેવ પડવા માંડી. પછી તો જુદી જુદી જગ્યાઓ વિષે અભ્યાસ કરતી. નવા નવા સ્પેલિંગો શીખતી ગઈ. મને વાંચવાનું ગમવા લાગ્યું. એ રીતે હું ભણતી થઈ. આજે તો મારી પાસે ઘણી બધી ડીગ્રીઓ છે. પણ આ બધા પાછળ મારા શિક્ષક નટુભાઈનો સિંહ ફાળો છે.
છેલ્લે હું એટલું જ કહીશ કે આભાર શિક્ષક નટુભાઈ.