Nayanaben Shah

Tragedy Inspirational

3.8  

Nayanaben Shah

Tragedy Inspirational

આ જ છે જિંદગી!

આ જ છે જિંદગી!

6 mins
9


પલકીના મોં પર આજે સંતોષ દેખાઈ આવતો હતો. જો કે પરિશ્રમના ધ્યાન બહાર એ વાત જાય જ નહીં કારણ લગ્નના ત્રીસ વર્ષ દરમ્યાન બંને એકબીજાને પૂરેપૂરા સમજી શકતાં હતાં. તેથી તો કેટલીયે વાતો કહ્યા વગર પતિપત્ની  સમજી જતાં હતાં. જો કે એકબીજાને કહ્યા વગર સમજી જવુ એ સુખીદામ્પત્ય જીવનની નિશાની છે.

જો કે પરિશ્રમ હમેશ માટે પલકીના મોં પર આ જ ભાવ જોવા માંગતો હતો. જિંદગીમાં બધાને બધુ સુખ ના મળે. જો કે છેલ્લા વીસ વર્ષમાં એમના જીવનમાં દુઃખે સ્પર્શ જ ક્યાં કર્યો હતો ! લગ્નના વર્ષ બાદ મોહલનો જન્મ થયો હતો. પરિશ્રમ એટલું બધુ બધાનું અડધી રાત્રે પણ કામ કરતો કે છેલ્લા કેટલાય વર્ષોથી એ જ ગામમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતો હતો. એટલું જ નહીં એ ક્યારેય મત માટે ભીખ માંગવા જતો નહીં. એ જ એની લોકપ્રિયતાની નિશાની હતી.

ગામમાં ઘણા વીઘા જમીન હતી. જેમાં મબલખ પાક ઉતરતો. ખેતરમાં કામ કરનાર ચાકરોને એ પોતાના કુટુંબીજનોની જેમ રાખતો. એમને મજુર તરીકે નહીં પણ પોતાના સગા જ ગણતો. એમના સારામાઠા પ્રસંગે પરિશ્રમ જાતે જઇને ઉભો રહેતો. જરૂરિયાતવાળાને પૈસે ટકે મદદ કરતો. પરિણામ સ્વરૂપ મજુરો પણ પોતાપણું દાખવતાં. પરિશ્રમ હંમેશ કહેતો,"જીવવા માટે કેટલા પૈસા જોઈએ?ઈશ્વર તો મને મારી લાયકાતથી પણ વધુ આપે છે. પૈસાનો સદુપયોગ કરવાથી પૈસાની શુધ્ધિ થાય, નહીં કે લક્ષ્મીપૂજન કરવાથી. "

મોહલ પણ ભણવામાં હંમેશ પ્રથમ નંબરે જ પાસ થતો. એ પણ દરેકને મદદ કરવા તત્પર રહેતો. એણે પણ સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી હતી. જો કે ગામમાં બધા કહેતાં કે,

"મોહલ તો અમારો ભવિષ્યનો સરપંચ છે. "

દિવસો સુખમય રીતે પસાર થઈ  રહ્યા હતાં. એવામાં એક દિવસ મોહલે કહ્યું,"મારે આગળ અભ્યાસ કરવા પરદેશ જવું છે. "

જો કે એના માબાપે ઘણું કહ્યું,"બેટા,અહીં આપણે ત્યાં શું ખોટ છે કે તારે પરદેશ જવું પડે?"

"પપ્પા, હું તો તમને પણ કહુ છું કે તમે આટલા નાના ગામમાં પડી રહેવાને બદલે દિલ્હી જતાં રહો. તમારામાં તો વડાપ્રધાન બનવાની ક્ષમતા છે. ખેતર ભાગે આપી દો. "

"મોહલ,દરેકની સુખની વ્યાખ્યા જુદી હોય છે.

મને મારા ગામમાં જ સુખ મળે છે. તને લાગતું હોય કે અહીં કરતા પરદેશમાં વધુ સુખ છે તો હું તારા સુખના આડે નહીં આવુ. જો કે તારી મમ્મી તો તારા દૂર જવાની વાતથી જ ભાંગી પડશે.

પણ હું એને સમજાવી દઈશ. પારકા પ્રદેશમાં તું તારૂ ધ્યાન રાખજે. બને તો દર વર્ષે ભારત આવજે. પૈસાની ચિંતા ના કરતો."

પહેલાં વર્ષે તો મોહલ આવ્યો. પણ એનું વર્તન એવું હતું કે જાણે કે બળજબરી પૂર્વક એને રહેવું પડ્યું હોય. હવે એને પાસ્તા,પીઝા કે ફાસ્ટફુડ જેવી વાનગીઓ ગમતી. નહીં કે ગામડાંની ચીલાચાલુ રસોઈ. . . . એ તો કહેતો કે," મને હવે આ ગામડીયા જેવા ભાઈબંધો સાથે મજા નથી આવતી. જિંદગીની મજા તો પરદેશમાં જ છે.

વીકએન્ડમાં હરોફરો,ખાવપીઓ અને મજા કરો.

 અહીં તો બધા પૈસાની હાયહાય જ કરતાં હોય.

 મને અહીં નથી ગમતું મારી તો ઓપન ટિકીટ છે હું વહેલો જતો રહીશ. "

પલકીને દીકરાની વાત સાંભળી આઘાત લાગ્યો. જે દીકરો એનાથી દૂર જાય એવું વિચારી પણ શકતી ન હતી. હવે એને વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો. પણ એણે દીકરાને રડતાં રડતાં કહ્યું,"ભલે,તું બે દિવસ તો બે દિવસ આવીને તારૂ મોં બતાવી જજે. હું તો મા છું તારા વગર હું કઈ રીતે જીવીશ?"

બીજા વર્ષે મોહલ ભારત આવવાનો છે એ વાત મોહલના શહેરમાં રહેતા મિત્ર અવનીશ મારફતે ખબર પડી. મોહલ ભારત આવ્યો ત્યારે માબાપ ને આશા હતી કે ભલે બે ચાર દિવસ પણ પહેલાં અહીં જ આવશે. પરિશ્રમને હતું કે ફોન તો કરશે જ. અઠવાડિયું રાહ જોઈ પણ ફોન ના આવ્યો. પલકી તો કહેતી કે,"તમે સામેથી ફોન કરો મારે એની સાથે વાત કરવી છે. "

"પલકી,પરાણે પ્રીત ના થાય. પ્રેમ એ કંઈભીખ માંગવાની ચીજ નથી. એની ઈચ્છા માબાપને મળવાની હોય તો આવે નહીં તો કંઈ નહીં. આ ગ્રામજનો આપણા સંતાનો જ છે. શા માટે પ્રેમની ભીખ માંગવી?"


જો કે દસદિવસ બાદ મોહલ આવ્યો. બેગ લીધા વગર. કહે,"હું એકાદ કલાક માટે જ આવ્યો છું રાતની ફલાઈટમાં હું પાછો જઉ છું. મારે થોડા પૈસા જોઈએ છે. ડોલર લઇને આવેલો. પણ મારે હાલ તો રૂપિયા જોઈએ છે એટલે જ ખાસ આવ્યો. "

આ સાંભળતા જ પલકી સ્તબ્ધ બની ગઈ. એને તો હતું કે દીકરો આવીને માબાપને પગે લાગશે. તબિયતના સમાચાર પૂછશે એના બદલે માત્ર અને માત્ર પૈસાની જ વાત!જો કે પરિશ્રમે પૈસા તો આપ્યા પણ મનમાં એક નિર્ણય સાથે.

એ રાત્રે પલકી કે પરિશ્રમને ઉંઘ આવતી ન હતી. બંનેની આંખોમાં આંસુ હતાં પણ બંને જણ એકબીજાથી છુપાવવા ભરપૂર પ્રયત્ન કરી રહ્યા હતાં. ખરેખર તો કોણ કોને આશ્વાસન આપે!બંને જણા ઉંઘવાનો ડોળ કરી રહ્યા હતાં.

પલકીએ જોયું કે પતિ સૂઈ ગયા છે એટલે ચૂપચાપ ઉઠી. એક જુની સાડી કાઢી ટેબલ પંખા ની નીચે મુક્યુ. પરિશ્રમને પલકીનો ઈરાદો સમજાઈ ગયો. એ ઊઠીને પલકી પાસે ગયો. પલકીને ભેટીને પરિશ્રમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. અત્યાર સુધી બંનેએ એકબીજાથી છૂપાવેલા આંસુ બહાર આવી ગયા.

"પલકી,તેં મારો પણ વિચાર ના કર્યો? સંતાન વગરના કેટલાય દંપત્તિ પ્રેમથી નથી રહેતા?આપણે એવું માનીશું કે આપણે સંતાન નથી. આપણે મોહમાયાના બંધનમાંથી મુક્ત થઈ જઈશું. હવે સમાજની વધારે સેવા કરીશું. આપણા પૈસા આપણા દીકરાને આપવાની હવે કંઈ જ જરૂર નથી. મેં મહેનત કરીને જમીન લીધી છે એ બાપદાદાની મિલકત નથી કે મોહલ એમાં ભાગ માંગવા આવે. મેં હમણાં જ વિચારી લીધુ છે કે હવે આપણે શું કરવું?"

બીજે દિવસે એમના ઘરની બહાર એક પાટિયુ લટકતુ હતું,"આત્મહત્યા નિવારણ સંસ્થા. "

ટૂંક સમયમાં દુખિયારા આવતા રહેતા. પતિપત્ની  સમજણથી કંઈકને કંઈક રસ્તો કાઢતા. પછી એ પતિપત્નીના ઝગડા હોય,સાસુવહુના ઝગડા હોય તો બંને પક્ષને સામસામે બેસાડીને સમજાવતાં જેથી ઘણા બધા મનદુઃખોનો નિકાલ થઈ જતો. લોકોના દુઃખો જ્યારે આ પતિપત્ની સાંભળતા ત્યારે થતું કે તેઓ તો ઘણા સુખી છે.

તે દિવસે પણ નદીમાં પડીને એ સ્ત્રી આત્મહત્યા કરવા જઈ રહી હતી ત્યારે ગામલોકો એને પકડી ને પલકી પાસે લઈ આવ્યા. પલકીએ એને પાણી આપી ચાનાસ્તો બળજબરીથી કરાવ્યો. થોડી શાંત પડતા બોલી,"મારો દીકરો મને પૂછતો નથી. જુગાર,દારૂના રવાડે ચઢી ગયો છે. કમાતો નથી મારી પાસે પૈસા માંગે છે. હું તો પણ પૈસા આપવા તૈયાર છું જો એ મને પ્રેમથી રાખે તો. "

પલકી હસીને બોલી, "તમે કહો છો કે તમારા પતિનું તમને પેન્શન મળે છે. દર મહિને વ્યાજ આવે છે. ઘર તમારા નામે છે. તો દીકરાને ઘરની બહાર કાઢી મુકો. એ કમાતો થાય અને દારૂ જુગાર છોડે તો જ ઘરમાં આવવા દે જો." બીજા જ દિવસથી પલકી એ વ્યવસ્થા કરી એ મુજબ ઘરની બહાર પોલિસનો પહેરો લગાવી દીધો. જેથી દીકરો ઘરમા ના આવે.

સાતેક મહિનાબાદ એ સ્ત્રી પલકીને મળવા આવી ત્યારે ખુશ હતી. બોલી,"બહેન,તેં દિવસે તમારી સલાહ મુજબ મેં કર્યું તો દીકરો કમાતો થઈ ગયો. દુનિયાની ઠોકર ખાધા પછી એને વાસ્તવિકતા સમજાઈ ગઈ. બહેન તમે મારા માટે દેવી સાબિત થયા."

પલકી એ વિચારોને વાગોળતી ઘેર ગઈ ત્યારે એના મનમાં એક આશા બંધાઈ કે કદાચ મોહલ પણ સુધરી જાય!તેથી તો એના મોં પર સંતોષ દેખાતો હતો. જો કે પરિશ્રમને આ વાતની ખબર  પડી કે એ બોલી ઊઠ્યો,"પલકી,તું ખોટી આશા ના રાખીશ. મોહલ હવે નહીં આવે કારણ કે મેં એને જણાવી દીધુ છે કે મારી મિલકતમાં તારો કોઈ જ ભાગ નથી. તું ભારત આવે કે ના આવે હવે અમને કંઇ જ ફેર પડવાનો નથી.

"પલકી હવે આ જ છે આપણી જિંદગી જે લોકકલ્યાણ અર્થે જ વપરાશે. "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy