Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational Thriller Children

5.0  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational Thriller Children

૧૦૦ નો ચોર !

૧૦૦ નો ચોર !

5 mins
563


એંજીયોપ્લાસ્ટીની સર્જરી પછી સાજા થઈ રહેલા બોતેર વરસના રમણભાઈ હોસ્પિટલના બિછાનેથી બહારના યંત્રવત વાહનવ્યવહાર ને બારીમાંથી જોઈ રહ્યા હતાં. પણ, મન તો હજુ વિચારોમાં ખોવાઈ ગયેલું જ હતું જાણે !

વાત એમ બનેલી કે, રમણભાઈ મિસ્ત્રી શિક્ષક તરીકેની સળંગ એક ગામમાં પૂરી કરેલી નોકરી પછી બાર તેર વર્ષથી નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતાં. ઘણા વિદ્યાર્થીઓ રમણભાઈના સ્નેહાળ અને સરળ શિક્ષણનો લાભ લઈ આજે પોતપોતાના નોકરી, વ્યવસાયમાં ઠરી ઠામ થવા દેશ ને દુનિયામાં ફેલાઈ ગયા હતાં.

દીકરી સાસરે સુખી હતી ને દીકરો પણ શહેરની પાસે આવેલ ટેકસટાઇલ કંપનીમાં હિસાબનીશ હતો. રમણભાઈને મળતું પેન્શન અને દીકરાનો ઠીક ઠીક મળતો પગારથી જીવન ગાડું ચાલતું. સંતોષી જીવવાળા માસ્તરનો દીકરો પણ સંતોષી હતો એટલે ઝાઝી ઝંઝાળ હતી નહિ !

અચાનક, રમણભાઈ ને હૃદયે ઢંઢોળી નાખ્યા. બે નળીઓના બ્લોકેજના કારણે અમદાવાદની મોટી હોસ્પિટલમાં દાખલ કર્યા ને એંજિયો પ્લાસ્ટીની સર્જરી થઈ. પોતાની બચત અને દીકરાની ત્રેવડના કારણે દવાખાનાના આવનાર મોટા બિલની ચિંતા તો વધારે ન હતી પણ, બધી બચત ખર્ચાઈ જાય તો દીકરો શું કરશે ભવિષ્યમાં એ એક પિતા સહજ ઉચાટ રમણભાઈ ને હોસ્પિટલના બિછાને કોરી ખાતો હતો !

***

ગામડાની પ્રાથમિક શાળામાં રમણભાઈના વિદ્યાર્થીઓ રહી ચૂકેલા ને હાલ દેશ વિદેશ ને મોટા શહેરોમાં સ્થાયી થયેલા તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વોટ્સેપ ગ્રુપમાં ' સાહેબ ' બીમાર પડ્યાના સમાચાર ફરી વળ્યા. જે દૂર હતાં તેમણે ફોનથી ને નજીકના શહેરોમાં રહેતા હતાં તે રૂબરૂ હોસ્પિટલ આવી ગુરુજીની ખબર અંતર કાઢી ગયા. 

***

આજે, હોસ્પિટલથી રજા મળવાની હતી. દીકરો પૈસાની સગવડ કરી હોસ્પિટલના કેશ કાઉન્ટર પર ગયો.

" મેડમ, રૂમ નં. ૨૦૧, પેશન્ટ રમણ ભાઈ મિસ્ત્રી નો હિસાબ કરશો"

થોડીવાર, કોમ્પ્યુટરમાં ચેક કર્યા પછી જવાબ મળ્યો...

" સર, તમારું ટોટલ બિલ અને એડવાન્સ પેમેન્ટનો હિસાબ કરતાં તમારા ત્રેવીસ હજાર જમા છે. થોડી વાર થોભો, હું ચેક બનાવું અને બીજી ફોર્માલીટી કરી દઉં."

બિલનું સ્ટેટમેન્ટ હાથમાં લઈ રમણભાઈનો દીકરો અચંબિત હતો. બિલની ઠીક ઠીક મોટી રકમ એડવાન્સમાં ચાર દિવસ પહેલા રોકડેથી ભરાઈ ગઈ હતી. ઉપરથી, વધારાની રકમ પાછી મળતી હતી. પોતે તો શરૂઆતમાં રજિસ્ટ્રેશન વખતે ભરેલ નાની રકમ સિવાય કંઈ ભરેલ હતું નહિ. તો આ રકમ કોણ ભરી ગયું !

 કાઉન્ટર પરથી અવાજ રણક્યો,..

" સર, બિલની રકમ એડવાન્સ ભરી જનાર સાહેબે આ ચિઠ્ઠી છેલ્લા દિવસે જ રમણભાઈ ને આપવાનું કહ્યું છે. પેશન્ટને આ ચિઠ્ઠી આપશો"

***

દીકરો દોડીને રમણભાઈ પાસે ગયો..

બનેલ પરિસ્થિતિથી અવગત કરી ચિઠ્ઠી તેઓના હાથમાં મૂકી ઊભો રહ્યો.

ચિઠ્ઠી વાંચી રહેલ રમણભાઈના ચહેરાના હાવભાવ અચાનક બદલાયા ને ભૂતકાળમાં સરી પડ્યા.

***

ગામની સરકારી પ્રાથમિક શાળા અને ત્રીજા ધોરણમાં રમણભાઈ માસ્તર બાળકોને ગણિતની ગણનાના પ્રાથમિક પગથિયા સમજાવી રહ્યા છે. આજે, લેણ દેણમાં વપરાતા નાણાં અંગે સમજૂતી આપવાની ચાલી રહી હતી.

બાળકોને પૈસા, રૂપિયાની ગણતરી તથા ચલણથી અવગત કરવા માસ્તર એક કીમિયો કરે છે. સવારે જ રોકડેથી મળેલો પગાર ખિસ્સામાં છે. તેમાંથી સો, પચાસ, વીસ, દસ કે પાંચની નોટોને સિક્કા એક પછી એક વિધાર્થી ને વહેંચતા જાય અને સમજાવતા જાય.

બાળકો પણ પોતાના હાથમાં આવેલ રૂપિયાનું વાસ્તવિક રૂપ જોતા જાય અને અચરજ પામતા જાય. 

તે વખતે, પગાર પણ થોડા એટલે બધા બાળકોમાં વહેચવામાં તમામ નોટો, સિક્કા પૂરા થયા ને માસ્તરનું ખિસ્સું ખાલી !

રમણભાઈની બાળકોને ભણાવવાની આવી અનોખી રીતો જ શાળાના તમામ બાળકોને ગામલોકોમાં તેમની લોકપ્રિયતાનું કારણ હતી.

ચલણી નોટો ની સમજૂતી પૂરી થઈને અચાનક રીસેસનો ઘંટ રણક્યો. ચંચળ બાળકો ઊભા થઈ દોડવા માંડે તે પહેલાં માસ્તરે તમામને હિસ્સે આવેલ નોટો, સિક્કા ટેબલ પર મૂકવાનું કહ્યું..પણ આ તો નાના ભૂલકાં અને પાછો રિસેસનો લોભ ! પોતપોતાની પાસે રહેલ નોટ, સિક્કા મુકવા ધમાચકડી મચી ...છેવટે વર્ગ ખંડ થયો ખાલી ને રમણભાઈએ પોતાનો પગાર ભેગો કરી ગણી જોયો...!

આશ્ચર્ય વચ્ચે એક સો ની નોટ ઓછી હતી. તે વખતે સો રૂપિયા એટલે ઘણો મોટો આંકડો હતો.

એ દિવસની રિસેસ તો પૂરી થઈ....ને તે પછી વર્ષો વીત્યા, કેટલીય રિસેશના ઘંટ વાગ્યા, કેટલાય વિદ્યાર્થીઓ બદલાઈ ગયા...માસ્તર નિવૃત્ત થયા...પણ, તે દિવસ થી આજ સુધી....એ સો ની નોટ અંગે માસ્તરનું મન જાણે અને લેવાવાળો જાણે !

***

માસ્તર ચિઠ્ઠી વાંચતા જાય અને ભૂતકાળના પડળ ખુલતા જાય છે. લખનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી..ચિઠ્ઠીમાં આગળ લખે છે...

......." તે દિવસે સાહેબ તમે ધાર્યું હોત તો...તમારા સો રૂપિયા પરત ન આપનાર એ છોકરાને ઓળખી શક્યા હોત અને કદાચ ઓળખી પણ ગયા હશો... કારણ, રિસેશ પછી એક જ છોકરો પરત નહોતો આવ્યો.......યાદ છે સાહેબ ?

વારુ, તમારા એ સો રૂપિયાનું મારે શું કામ હતું એ પણ જણાવું. 

"મારે ને મારી માં ને ભૂખ્યા રહેવાનો એ ત્રીજો દિવસ હતો. દારૂડિયો બાપ મારી બીમાર માં ને લાકડી વડે મારઝૂડ કરતો. ઘરમાં બધા વાસણ અને ઘરવખરી દારૂ પીવા વેચાઈ ગઈ હતી. હવે, દારૂની સનક મારી માં ને રંજાડવા ઉપર આવી હતી. દારૂ પીવા માટે રૂપિયા મારી માં ક્યાંથી લાવે ? હું...બારણાની ઓથે લપાઈને મારી માં ની અવદશા જોઈ રડતો રહ્યો...પણ શું કરું ? એક જ વાત મનમાં ઘર કરી ગઈ હતી કે પૈસા આપુ તો મારો બાપ મારી માં ને નઈ મારે !

બીજા દિવસે, એ વાત પણ વાસ્તવિક બની ને તમારી સો ની નોટ બે એક દિવસ પૂરતી મારી માં ની પીડા અને આંસુ ને રોકવાનું કારણ બની...પછી પાછું એનું એજ...

તમારી સો ની નોટ ચોરવાનો અપરાધ ભાવ મારા બાળ માનસને સતત કોરતો રહ્યો પણ...કદી હિંમત થઈ નહિ કે હું મારો અપરાધ કબૂલ કરું.

વર્ષો વીત્યાં...હું આજે સુખી છું...મારો પોતાનો સારો કારોબાર છે. તમામ સુખ સાહ્યબી આવી ...ગામ છોડી...પરદેશી થયો પણ, તમારા સો રૂપિયા ક્યારે ને કેવી રીતે વ્યાજ સાથે ચૂકવી શકું તે બાબત મને ઊંઘવા દેતી નહતી.

આજે એ મોકો મળ્યો ને એ રકમ વ્યાજ સાથે ચૂકવી રહ્યો છું. મારો અપરાધ ક્ષમા પાત્ર નથી પણ ભૂલનું પ્રાયશ્ચિત કરવાનો પ્રયાસ માત્ર છે. હું હજુ પણ આપની સમક્ષ આવી ઓળખ છતી કરવાની હિંમત એકઠી કરી શક્યો નથી મને માફ કરશો."

લિ.

આપનો અપરાધી... 

***

"બાપુજી...કોની ચિઠ્ઠી છે આ ? બિલ કોણ ભરી ગયું છે ?"

" મારો વિદ્યાર્થી... વર્ષો પહેલાં સો રૂપિયા ચોરી ગયો હતો અને આજે મારું હૃદય ચોરી ગયો...ખરો ચોર છે !"

" શું નામ છે....કોણ છે ?"

" ૧૦૦ નો ચોર ! "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational