વ્યથાઓને જ્યારે ખણી હોય છે.
વ્યથાઓને જ્યારે ખણી હોય છે.


વ્યથાઓને જ્યારે ખણી હોય છે
સુખોની ક્ષણો આપણી હોય છે
તો પીડા પછી સો ગણી હોય છે
કદી આંખમાં જો કણી હોય છે
સમજદાર લાગે બહું દિકરી
ભલેને તે ઓછું ભણી હોય છે
હવા સાથે ભટકાય છે હર કોઈ
જો મનમાં દિવાલો ચણી હોય છે
ફળે છે ભલા યે કદી કોઈને ?
શું ઇચ્છા બધી વાંઝણી હોય છે
હું ફુગ્ગાની માફક હવા શું ભરું ?
જગત પાસે જયાં ટાંકણી હોય છે
કરે દુઃખ અડીને એ સ્વર્ણિમ સુખ
સમય એવી પારસમણી હોય છે
સતત પામવા શું મથે જીંદગી ?
શિશુ જેમ એ લોચણી હોય છે
જે સારા નઠારા ને સમજી શકે
અનુભવ તો એ ચારણી હોય છે
વધાવું છું દુઃખની ક્ષણોને સતત
કૈ સુખની ક્ષણો તો ઘણી હોય છે
જે 'મહેબૂબ' છે જીંદગીની મજા
સતત એને મે અવગણી હોય છે