વટવૃક્ષ.
વટવૃક્ષ.
તારા મૂળિયાં છે ઊંડા, ધરતીના પેટાળમાં,
ઝૂકીને ઊભો તું, વર્ષોના વહેતા કાળમાં.
ફળ ફૂલ ની છે છાયા, સૌને તું આપે વહાલથી,
સૌ પંખીના ગીત ગુંજે, તારી લીલી ડાળમાં.
તું વટવૃક્ષ વિરાટ, યુગ યુગોની સાક્ષી પૂરતો,
બાળકનો હિંચકો બને , વટેમાર્ગુને વિશ્રામ દેતો.
તારી વડવાઈઓ, જાણે જટાધારી યોગીની,
ટેકે ટેકે ઊભો, જીવનનો અર્થ સમજાવતો.
તાપ, તડકો કે વર્ષા, તું સહુને સહારો આપે,
કેટલાયે તોફાનો, છાતીમાં ચૂપચાપ દાબે.
તારી શીતળ છાયા, પિતૃઓની યાદ અપાવે,
વડીલોના મમત્વ સમું, તારું મૌન ગૌરવ છલકાવે.
તું જ છે ઇતિહાસ, ને તું જ ભવિષ્યની આશા,
તારામાં જીવે છે, દરેક શ્વાસની પિપાસા.
હે વટવૃક્ષ, તું રહેજે અડીખમ સદા,
તારાથી જ છે, આ સૃષ્ટિની શોભા ને ભાષા.
