ઠાઠડી
ઠાઠડી
મૃત્યુ શૈયા કને તંત્ર ને મંત્ર કેવા અતિ ગંભીર ભાસે,
ફૂલોથી સજી સુંદર ઠાઠડી તો પણ સૌ જોઈને નાસે,
વાંસ ને કાષ્ટ થકી ગૂંથણીથી નિસરણી ઊભી કરી,
લ્યો કરો વાત નનામી બની કરી જયાં આડી જરી,
આ લખી તે લખી પાલખી છે અંતમાં સર્વના નામે,
રંક ને રાય જાય ઠાઠડીએ બેસી ઠાઠથી અંતિમ ધામે,
નિર્મોહી છે ના નામની તકતી રાખતી મરણખાટલી,
ડાઘુ સંગ નનામીનો પીછો કરતી બસ એક માટલી,
બસ હવે છેલ્લીવાર રંગીન ફૂલોથી શોભતી ડોલી,
યાત્રાએ ઉપડશે અર્થી રામ બોલો ભાઈ રામ બોલી,
ઉગ્ર જનો જીવતી મોંઘવારીની ઠાઠડી રસ્તે બાળતા,
જનાજો જતો જોઈને દુશ્મનો પણ મલાજો પાળતા,
જમ કે પાડો દીઠા નહી જતા ચાર જણ ઉઠાવતા ખભે,
ઠાઠડીના ઠાઠ ને સાજ પર કોઈ જીવ તો મસાણે નભે,
મરસિયાની પોક સુણી ધખધખતી રાખ બની ઠાઠડી,
માર્યા પછી કોને હાથ બેન હવે બાંધશે બળેવે રાખડી,
શહેરે મળે ધનના બદલે તૈયાર એવી સજેલી ઘાટડી,
ભારે હૈયે સ્વજન ઘડે ગામમાં ઠાઠડીની હોય ના હાટડી !