તરુવર વ્હાલાં
તરુવર વ્હાલાં
ઉદય થયો સૌભાગ્યનો,
લીલી કૂંપણ ફૂટી અનેક
તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.
પગલાં થયાં પરમ સતનાં,
બાળવૃક્ષ અંકુરિત પાવન,
તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.
ડોલતાં સદા નિજ મસ્તીમાં,
લહેરાતાં આનંદની લહેરે,
તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.
ઓછું ન અંકાય તપ,
સિદ્ધ તપસ્વી એ સમાધિસ્થ,
તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.
પરમાર્થ કેરા પાઠ અમૂલ્ય,
જીવી જાણી શીખવતાં એતો,
તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.
છે રાજીપો અનેરો આપીને,
નિજ ફળ કદી ન ચાખતાં,
તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.
જીવતાં જીવન કર્યુ સમર્પિત,
મરીને ય અજવાળે જાત,
તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.
સત બળ જીલતું ધરા કેરો ભાર,
સદા ઋણી 'દીપાવલી'
તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.
