તમારા નિત્ય દર્શનની લગન
તમારા નિત્ય દર્શનની લગન
તમારા નિત્ય દર્શનની લગન દિલને ગઇ લાગી
અખંડ અમોઘ દર્શનની લગન દિલને ગઇ લાગી... તમારા નિત્ય દર્શનની.
કૃપાની કરી છે વૃષ્ટિ, સરજતાં સ્નેહની સૃષ્ટિ;
તમારા અધિક અમૃતકાજ, પ્રાણે પ્યાસ છે જાગી... તમારા નિત્ય દર્શનની.
કર્યું દર્શન તમારું મેં, સતત દર્શન કરાવો તે;
અલગ ના એક પળ પણ હો, કઠોર થઇ મને ત્યાગી... તમારા નિત્ય દર્શનની.
તમે પણ પ્રકટશો પાસે, વિહરતો એ જ અભિલાષે;
મટે ના વેદના કેમે કરી, વીણા રહી વાગી... તમારા નિત્ય દર્શનની.
વિરહ કેરી વ્યથા ટળશે, મિલનની મધુરતા મળશે;
કરે આરાધના એથી જ, અંતર રોજ અનુરાગી... તમારા નિત્ય દર્શનની.
