થાકી હવે તો...
થાકી હવે તો...
થાકી હવે તો જિંદગી તારાથી,
રોજ આમ પરીક્ષા લીધા ના કર.
મને મારી રીતે જીવવા દે તો સારું,
તારી રીત મને શીખવ્યા ના કર.
નાનપણમાં તો સિલેબસ આવતો,
હવે કોર્સ બહારનું પૂછ્યા ના કર.
ઉકેલ ના હોય એવા કોયડા પૂછીને,
મારા મનને કાયમ ગુચ્વ્યા ના કર.
લાગે જ્યારે હવે તો સેટ છે લાઈફ,
ત્યારે નવા ટ્વીસ્ટ લાવ્યા ના કર.
રોજ રોજ નવા નવા પ્રશ્નો પૂછીને,
મારી ધીરજ અજમાવ્યા ના કર.
માંડ હાશ થઈ હોય મને મનમાં,
ને તું અઘરા પ્રશ્નો પૂછ્યા ના કર.
થોડી સરળ પરીક્ષા લે તો સારું,
અહીંથી તહીં મને ફંગોળ્યા ના કર.
એમ તો હામ ભીડી લઈશ સામે,
મને જરાય ઓછી આંક્યા ના કર.
આ ધમકી નથી, વાત કરું છું ખાલી,
મારી દાનત ખોરી સમજ્યા ના કર.
પહેલા નંબરે ઉત્તીર્ણ નથી થવું મારે,
તોય એમ કંઈ ઠોઠ સમજ્યા ના કર.
હું પણ લડી લઈશ જાનની બાજી,
રણછોડનું ટેગ મને લગાવ્યા ના કર.
