સ્વાભિમાન
સ્વાભિમાન
નથી ઝૂકતો કદી જગમાં ખોટા સન્માન માટે,
હું જીવું છું કાયમ મારા સ્વાભિમાન માટે.
નથી ધનથી હું વેચાયો, નથી કદી બદલાયો,
ખડક બનીને ઊભો છું મારા અભિમાન માટે.
ભલે માર્ગમાં આવે અનેક મુસીબત કે તોફાન,
નથી થંભતા મારા કદમ કોઈ અડચણ માટે.
નથી ગર્વ મનમાં કે નથી મેળવવી જુઠ્ઠી શાન,
પરિશ્રમ કરું છું હું મારી સાચી ઓળખ માટે.
જ્યાં હૃદયથી માન મળે એ જ સાચી દોલત,
નથી જતો હું મહેફિલમાં ખોટા સન્માન માટે.
નથી ઈચ્છતો હું કોઈ દુનિયાની વાહવાહીનો,
મળે બસ પ્રેમ ને માન જીવનના પ્રવાસ માટે.
"મુરલી" શીશ નમાવે છે પ્રભુની આરાધનામાં,
નથી નમતો કદી જગમાં કોઈ અપમાન માટે.
રચના : ધનજીભાઈ ગઢિયા "મુરલી"(જૂનાગઢ-ગુજરાત )
