સરદારનું ગીત-૧પ.
સરદારનું ગીત-૧પ.
ખેડા સત્યાગ્રહ-ર (ઈ.સ. ૧૯૧૮)
અહીં મોહન પંડયા છે, લડત કરનાર રે;
મળ્યા વલ્લભભાઈ છે, મદદે આવનાર રે.
ખોટી સલાહ આપે છે, આવી અમલદાર રે;
જેથી વિચાર માફીનો, કરે નૈ સરકાર રે.
અમ સિવાય લોકોનું, કોણ છે જાણનાર રે;
મગજમાં ભરે એવી, તુમાખી સરકાર રે.
છે ચળવળિયા આવ્યા, ખેડૂતની સહાય રે;
તેનું ખેડૂત માને તો, ગુનેગાર ગણાય રે.
સરકાર કહી આવું, કરે છે અપમાન રે;
ને લોકસેવકો બન્યા, સાંભળીને સભાન રે.
લડવું ખાસ જોઈએ, જાળવવા સ્વમાન રે;
આતો ભારે કહેવાય, પ્રજાનું અપમાન રે.
નિષ્પક્ષા ન્યાય માટેની, કરે છે ફરિયાદ રે;
છતાંયે સરકારે તો, દીધી જરા ન દાદ રે.
થયો છે અરજીઓનો, ગામોથી વરસાદ રે;
પ્રજા-અમલદારોમાં, છંછેડાયો વિવાદ રે.
આ થાળે પાડવા માટે, વિચારે સરકાર રે;
માફી આપી ટકા સાત, કર્યો’તો ઉપકાર રે.
કઠી આ ખૂબ લોકોને, સરકારી મુરાદ રે;
કરી મજાક લોકોની, મૂકેલ મરજાદ રે.
દૈયપમાં તલાટીએ, કાળો કેર કરેલ રે;
બૈરી છોરાંય વેંચીને, પૈસા દેવા કહેલ રે.
કન્યાનાં એક ખેડૂતે, બાળલગ્ન કરેલ રે;
વેરો દેવા જમાઈના, પૈસા લેવા પડેલ રે.
ઘેર વલ્લભભાઈના, સભા એક ભરાય રે;
ભરવું નૈ મહેસૂલ, એવું નક્કી કરાય રે.
લોકોને જાણ માટેના, ગામે પત્રો લખાય રે;
છેલ્લી જાણ વિના વેરો, હાલમાં ન ભરાય રે.
**
કરી વલ્લભભાઈએ, તૈયારી સાથ આપવા,
થયા તૈયાર એ માટે, ધંધાને પણ છોડવા.
(ક્રમશ)
