સીધી વાત
સીધી વાત
આંસુમાંથી આંસુ નીકળ્યું,
એ પણ પાછું ખાસ્સુ નીકળ્યું,
રોક્યું પણ રોકાયું ના એ
જબરું હો કે ધાંસુ નીકળ્યું,
માન્યું તું મજબૂત મેં એને,
પણ એ નબળું પાસું નીકળ્યું,
સીધેસીધું વહેતું ક્યાં એ?
વાંકુચૂંકુ ત્રાંસુ નીકળ્યું,
નહિ શિયાળો નહિ ઉનાળો,
ભરપૂર એ ચોમાસું નીકળ્યું,
વહુને જશ મળતો ક્યાં કો'દિ?
વઢકારી એ સાસુ નીકળ્યું,
એણે ખાધું મેં પણ ખાધું,
ચેપી રોગ બગાસું નીકળ્યું,
મીઠાબોલાં લોકો મોઢે,
શબ્દેશબ્દ પતાસું નીકળ્યું,
મૃત્યુ આવ્યું ત્યારે લાગ્યું,
"શિલ્પ" જીવન જિજ્ઞાસુ નીકળ્યું.
