ઋતુ વસંત
ઋતુ વસંત
વાસંતી વાયરા વાય, થાય મહાસુદ પાંચમનું આગમન,
મનને લોભાવતી, મહેકાવતી જ્યારે આવે ઋતુ વસંત,
શિશિરઋતુ લે અંગડાઈ, ને હેમંતની થાય વિદાય,
ખીલી ઊઠે દરેક વનરાઈ, જ્યારે આવે ઋતુ વસંત,
જાસૂદ, ચંપો, ગુલાબ ફૂલોની સુંગંધ ચારેકોર પ્રસરાય,
ભ્રમરનું ગુંજન સંગીત રેલાય, જ્યારે આવે ઋતુ વસંત,
આંબા ડાળે મહેકે મોર, કેસુડો ફોરમે ચારેકોર,
ગાતી કોયલડી મીઠાં સૂર, જ્યારે આવે ઋતુ વસંત,
નવી આશાઓ, ઉમંગ સંગે હૈયે થનગનાટ અપાર,
માણીએ 'કલ્પ' પ્રકૃતિનો સાથ, જ્યારે આવે ઋતુ વસંત.
