રણ કદી ના છોડતી ભઈ
રણ કદી ના છોડતી ભઈ
જીવન તણી ઘટમાળ તો સંગ્રામ શી, ના હારતી ભઈ,
રણછોડની ચાહક બની, પણ રણ કદી ના છોડતી ભઈ,
અકબંધ રાખી લાલિમા ! કરમાય ના સૌંદર્ય મુખથી,
છો લાખ દે આઘાત અંગત, વખ કદી ના ઘોળતી ભઈ,
મનની વ્યથા ઓઝલ કરી, ઓઢું ખુશીનું ઓઢણું શિર,
બેદાગ જીવું આયખું, સેવ્યું સપન, ના ભૂલતી ભઈ,
આંધી અને તોફાન, કાં દેતો જમાનો ! જાણતી હું,
પ્રતિકારની ત્રેવડ છતાં પણ મૌન રૂડું સેવતી ભઈ,
ઈશ્વર કૃપાથી સાંપડી છે, જિંદગી સુંદર મજાની !
તેથી પલાયન ના કરે 'શ્રી', ભોગવી દુ:ખ મ્હોરતી ભઈ.
