રક્ષક તમે છો
રક્ષક તમે છો
ભગવાન પછી બિમારોનાં તારણહાર તમે છો,
અસહ્ય પીડા સતાવે તો દર્દનાં હરનાર તમે છો.
નાદુરસ્ત તબિયત સમયે આશાનું કિરણ તમે તો,
નિ:સહાય દર્દીઓ માટે એક જ આધાર તમે છો.
વેદના અસહ્ય થતાં કણસતાં બેબસ માનવીઓ,
સહારો એક જ તમારો દ્રશ્ય રૂપે દેવદૂત તમે છો.
કેમ છો ? શું થયું છે ? વાતો કરી આત્મીય રહો,
ઘડીભર દર્દ ભૂલાવી આશ જગાવનાર તમે છો.
દર્દી માટે સહજ સૌમ્ય તો કયારેક કઠોર બનીને,
દર્દીની હિંમત વધારનાર સાચા માર્ગદર્શક તમે છો.
બિમારીઓ વધતી સતત ને ઉભરાતાં દવાખાનાં,
મક્કમતાથી સેવા કરનાર દર્દીઓનાં રક્ષક તમે છો.
પ્રેમાળ શબ્દોથી આશ્વસ્ત કરો દર્દીઓનાં દિલને,
દર્દીનાં મુખ પર સ્મિત રેલાવનાર જાદુગર તમે છો.
જન્મ-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતાં નિ:સહાય દર્દીઓ,
દર્દને દૂર કરનારા માનવતાનાં હિતેચ્છુ તમે છો.
ગૌરવાન્વિત રહી ને માનવતાને ઉજાગર રાખજો,
સેવા થકી વિશ્વમાં આરોગ્યનાં ઉત્થાનક તમે છો.
