રાખ્યા છે
રાખ્યા છે


ઈશ્વર મંદિરમાં બિરાજમાન રાખ્યા છે,
ભરોસા બાવા સાધુ અને ભુવા પર રાખ્યા છે.
પીસાઈ ઘૂંટાઈ સુકાઈ હથેળીને લાલ કરતી,
મેંદી એ પોતાના પર્ણોને લીલા જ રાખ્યા છે.
ખામોશી ની દિવાલ ક્યારેય ઓળંગી નહીં,
મનમાં પડઘાઓ પછડાતા રાખ્યા છે.
કાગળો શાના ફફડ્યા કરે છે,
શબ્દો તો હજી મનમાં સંઘરી રાખ્યા છે.
કાંઠા ભલે સામ સામે કિનારે હોય,
નદી એ બંનેને ભીંજવેલા રાખ્યા છે.
વ્યથાઓ ઉધઈની માફક ખોતરતી હોય,
ચહેરા હંમેશા હસતા રાખ્યા છે.
શતરંજના મોહરા રમતમાં જુદી જુદી ચાલે ચાલે,
પણ ડબ્બામાં એક સાથે જ રાખ્યા છે.
ભાડાનું ઘર છે,ગમે ત્યારે ખાલી કરવાનું છે,
છજાઓ ને દીવાલોના મોહ શા સારુ રાખ્યા છે.