પટારો
પટારો


આજે પેલો જૂનો પટારો છે ને
વર્ષોથી બંધ પડેલો,
એ ખોલ્યો.
થોડી નવા જેવી તો
થોડી જર્જરિત એવી, યાદો મળી આવી છે.
એક શર્ટ જે બાએ
નીચેથી વાળી દીધેલું, અને
એક પેન્ટ જેના પઇસા
મારી ઉમર સાથે સાથે વધ્યા.
એ બંને મળી આવ્યા.
બંને મને હજુ
એટલાજ પરફેક્ટ થાય છે.
એક અગાસી, અને
એક વસંતની સંધ્યા,
નીકળી આવ્યા.
ફરી થોડી વાર પેલો
સંધ્યાનો ગુલાબી રંગ,
અગાસીના
ઉપલા પગથિયે બેસીને
આંખમાં ભર્યો.
પણ અગાસી ભેંકાર લાગી,
>હવે ત્યાં પહેલાં જેટલી
ચહેલ-પહેલ નથી.
પેલું ગુલમ્હોરનું ઝાડ,
તેના ખોળે
તૂટેલી પેલી બેન્ચ,
અને ફૂલોની લાલ ચાદર,
આ બધાએ
અંદરથી ડોક્યું કર્યું.
અમે તો યાદ છીએ ને ?
શું કહેવું મારે ?
બહુ ઈચ્છા હતી કે
ફરી ત્યાંજ એક બે કલાક
આંખો બંધ કરી
બધું વાગોળું.
પણ કહ્યું,
થોડું મોડું થાય છે.
મેં બધી યાદો
સરખી ગડી કરીને
ફરી પટારામાં મૂકી દીધી.
ફરી યાદથી ખોલીશ
પણ ક્યારે એ ખબર નથી.
અત્યારે થોડી મીટિંગ્સ છે.