નયનની પાર
નયનની પાર
તું નયનની પાર જોવા દે મને,
પ્રેમના ધબકાર જોવા દે મને,
રોક ના વરસાદની વાછટ હવે,
બારણાની બહાર જોવા દે મને,
બે ઘડી રોકાઈ જાને પાંપણે,
સ્વપ્નનો આકાર જોવા દે મને,
ડૂબવાનું મન થયું છે આજ તો,
મન ભરી મઝધાર જોવા દે મને,
ભર બપોરે ચાંદ દિલના આંગણે,
છે નવો તહેવાર જોવા દે મને,
કેવી તું ભીંજાય છે વરસાદમાં !
પાણીમાં અંગાર જોવા દે મને,
રૂબરૂ છે, માણવા દે, રોક ના,
'જિંદગી છે', યાર જોવા દે મને,
એક "આશુ" ઝીલવા દે હાથમાં,
હોઈ કેવો ભાર જોવા દે મને.