એ લાગણી છે
એ લાગણી છે
જે નથી હાજર છતાં દેખાય છે, એ લાગણી છે,
યાદ આપોઆપ આવી જાય છે, એ લાગણી છે,
દૂર છે બંને છતાં અહેસાસ લાગે ટેરવાનો,
સ્પર્શ જેવું શબ્દમાં વરતાય છે, એ લાગણી છે,
સ્વપ્નને માની હકીકત બિંબને જોયા કરો છો,
ને અચાનક આયનો શરમાય છે, એ લાગણી છે,
આખરે છૂટા છવાયા શબ્દ સૌ ભેગા મળીને,
પ્રેમની થઈને ગઝલ છલકાય છે એ લાગણી છે,
બે જણા છૂટા પડ્યા, એ વાતને વરસો થયા પણ,
દિલ હજી એની તરફ ખેંચાય છે એ લાગણી છે,
સાચવી રાખો તમે દર્દો બધા વરસો વરસથી,
યાદ એની આવતાં મલકાય છે, એ લાગણી છે,
"કેમ છો !" એવા લખેલા પત્રના બે શબ્દમાં પણ,
જે લખ્યું ના એ બધું વંચાય છે એ લાગણી છે.

