નાવડી કાણી હતી
નાવડી કાણી હતી
1 min
238
બંધ રાખ્યા બારણાં તો આવજા શાની હતી !
સાવ હું ભૂલી ગયો કે આંખ નહિ બારી હતી,
કેટલાં આવ્યા શિયાળા ! થાકીને ચાલ્યા ગયા,
ગોદડીમાં રૂની સાથે લાગણી 'મા'ની હતી,
ડર હતો કે એકલો રહી જાઉં ના બસ, એટલે,
જે સદા સાથે રે' એવી વેદના પાળી હતી,
પૂછી જો ઈશ્વરને, મારી જિદ વિશે, વાકેફ છે,
પ્રેમની બાજી હતી એ, એટલે હારી હતી,
બસ, અહમના ભારમાં બંને જણા ડૂબી ગયા,
વાંક દરિયાનો હતો નહિ, નાવડી કાણી હતી,
દર્દથી જન્મોજનમથી એ હદે યારી હતી,
ત્યાં હવે બાવળ ઊગ્યા જ્યાં લાગણી વાવી હતી,
કેટલી મેં સાચવી પણ લાગણી વહેરાઈ ગઈ !
શબ્દ એણે જે કહ્યા એ શબ્દમાં આરી હતી.
