વાંચી શકો
વાંચી શકો
લાગણીને હૂબહૂ શું શબ્દમાં ઢાળી શકો ?
દિલ લખો પણ કાગળે ધબકાર શું લાવી શકો !
સ્પર્શ કેવળ સ્પર્શ નહિ પણ લાગણીની વાત છે,
ફૂલની નાજુક કળી પર ઓસને વાવી શકો ?
લાગણી સાથે રમત રમવી નહીં ક્યારેય પણ,
આગ એવી લાગશે જે ના કદી ઠારી શકો !
પ્રેમનો રસ્તો કઠિન છે, પામવું સહેલું નથી,
સાવ ખુલ્લા પગ કરી શું આગ પર ચાલી શકો ?
તો પછી માનું, કરો છો પ્રેમ સાચા અર્થમાં,
જો તમે વરસાદમાં પણ આંસુઓ વાંચી શકો !
પ્રેમમાં તડકો વિરહનો સહી શકો જો સ્મિતથી,
તો તમે પણ પાંપણે ચોમાસું બોલાવી શકો.
બસ, શરત છે એટલી કે પ્રેમ હોવો જોઈએ,
ચાંદ જેવા ચાંદને પણ આભથી લાવી શકો.
શું ? વહાવી દઉં બધું ? યાદો નથી પણ શ્વાસ છે,
ફૂલમાંથી શું તમે સુગંધને કાઢી શકો ?
જે કરામત મા કરે છે, આવડે છે કોઈને ?
સુખના છે કે દુખના છે ! આંસુ અલગ તારી શકો ?
