ના પૂછો
ના પૂછો


હું છું ઝંકૃતઉર હંમેશાં તમે મારું નામ ના પૂછો,
વસું સ્નેહાળ સ્પંદનમાં તમે મારું ગામ ના પૂછો,
છોડો વાત ઉંમરને અભ્યાસ કે વ્યવસાય તણી,
છું હું તો કલકલ કરતું ઝરણું તમે તમામ ના પૂછો.
મજહબ મારો માનવનો રહ્યો છે આદિઅનાદિ,
કોને ભજો છો કહીને પછી કૃષ્ણ કે રામ ના પૂછો.
જનેજનમાં થાય ઝાંખી જનાર્દનની સદાય મુજને,
મસ્ત છું સેવામાં, શું કરો છો આઠો યામ ના પૂછો.
જીવું છું નથી કેવળ શ્વસતો પ્રાણ ગ્રહીને આખરે,
શું કહેશે જગ? દીધા દુનિયાએ કેવા ડામ ના પૂછો.