"મિસરી-એક પતંગ"
"મિસરી-એક પતંગ"


ફૂલ સરીખી છોકરી હું, "મિસરી" મારુ નામ,
શમણાંમા રંગો પુરવા મનગમતું મારુ કામ,
કંચનવર્ણ કેશ મારા રજતસરીખી કાયા,
ભાખ્યું'તું શાસ્ત્રીએ -લગાડશે છોકરી આ માયા,
ધન્ય મા-બાપ જીવનનું શીખવ્યું ગણતર,
ભણાવી ગણાવી બનાવી મુજને ડોકટર,
સ્વપ્નલોકની પરી સમ છે મારી આ જાત,
કાવ્યરૂપે રજૂ કરવી મારે હૃદય કેરી વાત,
કોડીલી કન્યાના રુદીયે ઉપડે અસહ્ય મૂંઝારો !
આવે જ્યારે યાદ મને મારો આ રોગ ગોઝારો,
રૂંવે રૂંવે પીડ જે ઉપડે વરસે અનરાધાર,
મજબૂરી સીસકારાની ચાલતી અનંત વણઝાર,
"થેલેસીમિયા" નામક રાક્ષસ જિંદગી કોરી ખાય,
મારતા-મારતા પાપી મુજને રોજ જીવાડતો જાય,
રુધિર ખરીદી કરવો પડતો શ્વાસોનો વહેવાર,
મોતના ડાકલાં સંગ ઉજવું મારો તહેવાર,
બની પતંગ હું ઊંચે ઉડી રંગે રૂપે પૂરી,
કાળનો પેચ ભરખી રહયો રહી આશ અધૂરી,
હતા તાતને માત અજાણ ને ઘટવાનું ઘટી ગયું,
આશરો બનનાર સંતાન થેલેસેમિયા ગ્રસ્ત જન્મી ગયું,
p>
એક જ ચિનગારી હૈયે સૌને પ્રગટાવું,
શહેર ગામડે ગલી નુકકડ પર વાત એક દોહરાવું,
હશે જો માબાપ ને આ રોગ,
ન છુપાવતા રાખજો સમ-યોગ,
ન જન્માવતા જીવ-ન લેજો કોઈનો ભોગ,
લગ્નો પહેલા જુઓ છો જાતિ! હવે જોજો શરીર ના રોગ,
પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી જ હસ્તમેળાપ કરાવો,
યુવાનોના હૈયે - મનમાં આ વાતની જ્યોત પ્રગટાવો,
સ્વસ્થ હો શરીરે જે- માનવો માનવતા મહેકાવો ,
હોય જ્યારે રક્તદાન કેમ્પ, આપી મહાદાન પુણ્ય કમાવો ,
ઇમરજન્સી રક્તદાતા તરીકે નમ્બર આજે જ નોંધાવો,
ઇશ્વરના ચોપડે કેટલું છે ઉધાર! આજ બધું માફ કરાવો,
પતંગની કિસ્મત સાથે મિસરી ઉડી જવાની,
ઉત્તરાયણ પર જ અલવિદા સૌને કહી જવાની,
રડતાં ન કોઈ- જ્યારે હું જાવ,
હયાતીમા જ મારી વાત કહેતી જાવ,
માનવ મહેરામણની રોકકળ ન જરી ગમશે,
દાન સર્વે પ્રકારના સમાજે મારા જીવડાંને સદશે,
"મિસરી" ને નવ ભૂલતા રાખજો હૈયે નામ,
કાગળ ખૂટશે કલમ ખૂટશે, તો લ્યો છેલ્લા રામે રામ.