મીરાં
મીરાં
બાળપણની રમત જ અનોખી ,
શ્યામના પ્રીતની રાજઘરાનામાં એની !
યૌવને તો અત્યંત અનંત ,
લગની લાગી પ્રિયવરની તેની !
શ્યામની પ્રેમ દિવાની મીરાં !
કરે નિત્ય શ્યામ મૂર્તિની સેવા ,
ને થાય ભક્તિમય જેમાં !
કિરતાર લઈ ગાઈ હરિગુણ ,
આ નિર્મળ પ્રેમરસ જ રહે તેમાં !
શ્યામની પ્રેમ દિવાની મીરાં !
સાસરે જ્યારે મીરાં આવી ,
પુજા સ્થાને અલૌકિક આનંદ લાવી !
ભરથાર આવ્યો ક્રોધે છતાં ,
એને તો ત્યાં મનની ટાઢક થઈ આવી !
શ્યામની પ્રેમ દિવાની મીરાં !
ભરથારે પણ ન આપી ,
તેને તેના હક્કની પ્રીત !
અન્ય રાજાની ‘પ્રિયા’ મેળવવા કરી લડાઇ,
ને પડી ભાંગ્યો એ તો કુદરતની જ એ રીત !
શ્યામની પ્રેમ દિવાની મીરાં !
સંસારમહીંથી ત્યજી દેવાયેલી તોયે ,
શ્યામમાં જ એ તો તલ્લીન !
‘કમળપત્રવત્’ રહી એ તો શ્યામપ્રેમે ,
ન કરી શક્યા એને કોઈ મલિન !
શ્યામની પ્રેમ દિવાની મીરાં !
ખંડેરમાં પણ રીઝાવ્યા ‘પ્રિય’ ને,
ને કર્યા અનહદ ભજનો !
પોતે તો ઘેલી શ્યામ રંગે,
ને એજ રંગે કર્યા ત્યાં એણે સ્વજનો !
શ્યામની પ્રેમ દિવાની મીરાં !
અધૂરામાંયે પુરું કરવા ,
દિયર વિષ પ્યાલો લાવ્યો !
શ્યામનો જ પ્રસાદ જાણી પીધું તો,
વિષનું અમૃત થતાં શત્રુ ત્યાં ન ફાવ્યો !
શ્યામની પ્રેમ દિવાની મીરાં !
ભાવભક્તિની થઈ પરાકાષ્ઠા ,
મીરાંની પ્રેમજ્યોતી જ્યાં !
પ્રત્યક્ષ શ્યામમાં જ એ તો ,
ભક્ત કવિયત્રી વિલીન થઈ ત્યાં !
મનસ્વપનથી વરી ચૂકી મીરાં ,
શ્યામ પ્રિયવરમાં જ મિલન પામી ત્યાં !
શ્યામની પ્રેમ દિવાની મીરાં !
શ્યામની બની એ તો 'પ્રિયા' !
