મડદાં વેચું છું
મડદાં વેચું છું
મડદાં વેચું છું મડદાં
જાતભાતનાં મડદાં
સસ્તાં મડદાં, મોંઘાં મડદાં
છૂટક મડદાં, જથ્થામાં મડદાં
રામનાં મડદાં, અલ્લાનાં મડદાં
બાપુનાં મડદાં, બાબાનાં મડદાં
વાદનાં મડદાં, અ-વાદનાં મડદાં
મડદાં મારાં ગૅરંટીવાળાં રે લોલ !
મંદિરમાં, મસ્જિદમાં
અદાલતમાં, પરિષદમાં
વિદ્યાલયમાં, સચિવાલયમાં
ઠેકઠેકાણે કાર્યાલયમાં
મડદાં મારાં ચૂપચાપ ઊભાં રહે છે
ઠાલુંઠમ બોલી બેઠાં રહે છે
ડગ માંડ્યાં વિના દોડઘામ કરતાં રહે છે
વળી,
મડદાં મારાં કોઈ કાળે સડતાં નથી
માલિકને અમથું અમથું પણ નડતાં નથી
મડદાં મારાં ગૅરંટીવાળાં રે લોલ !
ગામવાળા આવો, શહેરવાળા આવો !
પોલીસવાળા આવો, અસંતુષ્ટોને સાથે લાવો !
પત્રકારો, કલમ મેલો !
કવિજનો, કલ્પનાઓને આઘી ઠેલો !
કર્મશીલો, રવિવાર છે આજે,
ક્રાંતિને તમે મારો હડસેલો !
ગાંધીનગર, તમે આળસ મરડો !
દિલ્હીની તમે વાટ પકડો !
વચ્ચે આવે દુકાન મારી
લાંબી-લાંબી જ્યાં લાઇન લાગી
આજ નવી છે સ્કીમ કાઢી
એક સાથે બે મડદાં ફ્રી
ના લો, તો હીહી...હીહી...હી.
