મારી ભાષા તું ગુજરાતી
મારી ભાષા તું ગુજરાતી
પ્રભાતિયા જેવી પુનિત જ મારી ભાષા તું ગુજરાતી
માતૃભાષા દિન ઉજવે વિશ્વને, ચાહ ઘણી ઊભરાતી
‘નાગદમણ ‘નો આદિ કવિ વ્હાલો રે ભક્ત નરસૈયો
પ્રેમાનંદ તું ધન્ય જ રે ટેકી, શતવંદી ગુર્જર છૈયો
ખુલ્યા ભાગ્યને મળ્યા રે નર્મદ દલપત અર્વાચીને
ને મલકાણી ભાષા ગુજરાતી હસતી રમતી દિલે
મેધાવી સાક્ષર મોટા હાલે જાણે, અસ્મિતા વણઝાર
ગાંધી આધુનિક યુગ મહેકે મોભે, ધરી કનકી ઉપહાર
મોગલ, અરબી, ફારસી- અંગ્રેજી, ને બંગ રંગ તવ મજાના
ગુર્જર ભાષાએ ઝીલ્યા ભાઈ, વિશ્વતણા શબ્દ ખજાના
ફેબ્રુઆરી એકવિસમો, દિન વિશ્વ માતૃભાષાનો ગરવો
ગુર્જર લોકસાહિત્ય સાગર તીરે માણું રે ચાહત જલવો
