માણસ
માણસ
સુગંધી ફૂલનો માણસ કે તીક્ષ્ણ શૂળનો માણસ,
નક્કી થાતું નથી કે અંતે છે કયા કુળનો માણસ,
સતત ઉખેડતા જાઓ ચહેરાઓ મહોરાઓ,
તપાસો કે ચકાસો પણ મળે નહિ મૂળનો માણસ,
ગગનચુંબી મહેલોનું છે અંતિમ સત્ય એવું કે,
ઊંચી દીવાલની પાછળ છે ચપટી ધૂળનો માણસ,
પહેરો એને તો લાગે કે આખી જાત ઢંકાણી,
અવનવા વસ્ત્ર વચ્ચે જો મળે પટકૂળનો માણસ,
મને નખશીખ કરી નાંખ્યો મથુરાવાસી આ શહેરે,
હું મારામાં હવે શોધું, પેલો ગોકુળનો માણસ.