લાલચટ્ટક એક મુલાકાત
લાલચટ્ટક એક મુલાકાત
ઝુલ્ફોની ઝાંય સખી હૈયાનાં સ્પંદનો
ગુલમહોર ગુલમહોર ગુલમહોર જાત
લાલચટ્ટક એક મુલાકાત
લીલ્લીછમ ડાળ જેવી ક્ષણોમાં ઝૂલતા
લહેરખી જેમ હોઠ સુગંધી ચૂમતા
લાલચટ્ટક એક મુલાકાત
વાસંતી સાહ્યબીમાં દોમ દોમ ટેરવે
ઉપસતી જાય સખી વ્હાલપની ભાત
લાલચટ્ટક એક મુલાકાત
નખશિખ આનંદ સંગ ઊરે ઉમંગ
મસ્તીના તોરનો રક્તિમ રંગ
લાલચટ્ટક એક મુલાકાત
અલગારી આયખામાં રોમ રોમ ટશિયામાં
છલકાતી જાય સખી રતુંબલ વાત
લાલચટ્ટક એક મુલાકાત
ઝુલ્ફોની ઝાંય સખી હૈયાનાં સ્પંદનો
ગુલમહોર ગુલમહોર ગુલમહોર જાત
લાલચટ્ટક એક મુલાકાત

