કોઈ પોતીકું મળે...
કોઈ પોતીકું મળે...
દેખાવ કરવા ઘણાં મળે,
ને મળવા ખાતર મળે;
ખોટાં જૂઠ્ઠાં વ્હાલપનાં
મીઠા શબ્દો છળે.
ફરિયાદ કયાં જઈને કરું?
વાડ ચીભડાં ગળે;
પોતાનાં જાણ્યાં'તાં એ સૌ
સમય જોઈને વળે.
સત્ય તો ભરબજારે ઊભું
જૂઠ બધે ઝળહળે;
ઓટ આવતા કોરા કાંઠા,
કંકર બધે ખળભળે.
યાદ નથી કે કોણે દીધા
ઘાવ, ના કળ વળે;
મિલન કાજે થાય સવાલ
કેમે કરી દર્દ ટળે?
રૂપમાં આજ મોહી ગયા,
શ્યામ વર્ણને સૌ હળે;
દિલની પુકારે ચૂપી છવાઇ,
પ્રીતની હેલી ટળવળે!