કેમ કરીને કહું
કેમ કરીને કહું
કેમ કરીને કહું તમે છો કેટલાં બધાં સુંદર !
કેમ કરીને કહું તમે છો કેટલાં બધાં મંગલ !... કેમ.
સુમધુર રૂપ તમારું રસભર તેજોમય જગવંદન,
જોડ નથી ત્રિભુવનમાં, કોઈ આટલું નથી સુંદર... કેમ.
પ્રેમ ગંગનાં ગંગોત્રી છો, રસનાં મૂળ ચિરંતન,
પવિત્ર જમુનાનાં જન્મોત્રી, સુરતાનાં રસ સંગમ.
તમારી નથી સુંદરતા આ ક્યાંય, નથી મધુરાપન... કેમ.
તમારા પરમ રૂપ રસે છે રંગાયું મુજ અંતર,
મન છે મોહિત બન્યું પામતાં સ્પર્શ તમારો ચંદન,
દિલ છે ‘પાગલ’, ચરણધૂલિમાં ઢાળી દીધું જીવન,
અંગ સુગંધિત સુંદરતામાં સ્નાન કરીને સુંદર... કેમ.
પ્રાણ પૂછતો કરતાં જેને તમે પ્રેમ ચકચૂર,
દૂર રહેવા ચાહે તે શું ? જણાય ના કૈં ભૂલ ?
દોડી આવો જેના સુણતાં તમે પ્રેમનાં ક્રંદન,
ઓ સુંદર, ઓ રૂપ સનાતન, તે ખરે જ છે મંગલ... કેમ.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)
