હૂંફાળું સ્વેટર
હૂંફાળું સ્વેટર
કાશ તું મારું સ્વેટર બની જાય,
હુંફાળા તારા તાંતણાઓને જોડી,
મારી વેર-વિખેર સંવેદનાઓ પર વીંટરાયને,
તું મારુ સુંવાળું વસ્ત્ર બની જાય,
કાશ તું મારું સ્વેટર બની જાય,
છૂપાવી લઉં તૂટી ગયેલા સ્વપ્નો,
ચોળાઈ ગયેલા શર્ટની જેમ,
અધૂરી કેટલીયે ઈચ્છાઓ,
ખિસ્સામાં મૂકી થોડી હૂંફાળી બની જાય,
કાશ તું મારું સ્વેટર બની જાય,
તને પહેરીને સમયને ક્યાંક અટકાવી દઉં,
ઠંડા થઈ જતાં આ સંબંધને હૂંફાળો બનાવી લઉં,
વધી જતો અંતરનો અવકાશ,
સ્પંદનોને ઠંડા પાડી દે એ પહેલાં,
તું ફરી ઉછળતા મોજાંની જેમ મને ભીંજવી જાય,
કાશ તું મારું સ્વેટર બની જાય.

