હે હરિ..!
હે હરિ..!


આમ એકાએક દુકાન કાં વધાવી લીધી?
હજુ ઘણું બાકી છે મારે.
ઓચિંતાની આવી હરકત તેં કાં કીધી ?
હજુ ઘણું બાકી છે મારે.
પ્રભાતનો પહોર અને બપોર જોઈ મેં,
સંધ્યા તો આવી નથી હજુ.
લાલિમા અવકાશની કાં લીધી છીનવી?
હજુ ઘણું બાકી છે મારે.
સતત સંઘર્ષને સહન કરવામાં જિંદગી
ગૈ કેમ ખબર જ ન પડી !
પચાસ પછીના અંક કાં દીધા તેં ભૂંસી ?
હજુ ઘણું બાકી છે મારે.
શીખવામાં જાય અડધી કેમ જીવવું !
આચરણનો એકડો અધૂરો.
મધ્યાન્તરમાં કાં લીધો વાવટો વીંટી ?
હજુ ઘણું બાકી છે મારે.
ઠીક હરિ આખરે તને ગમ્યું તે ખરું,
મારું એમાં શું ચાલવાનું?
હિસાબ પણ એ રીતે જ કરજે તું,
હજુ ઘણું બાકી છે મારે.