હાથથી હૈયાં સુધી
હાથથી હૈયાં સુધી
હાથથી હૈયાં સુધી પહોંચે તે કવિતા,
શબ્દમાંથી સત્વને જે શોધે તે કવિતા,
મળી જાય મનભાવન ઉરને વાંચતાં,
અંતરમાં શબ્દો જેનાં ચોંટે તે કવિતા,
હોય ગેયતા જેમાં સૌ ગણગણી શકે,
વાહવાહ બોલાય મોટેમોટે તે કવિતા,
થાય સન્માન સર્જકનું યોગ્ય હાથથી,
ન આવે તોલે પૈસાની નોટે તે કવિતા,
હોય સંદેશ જીવન જીવવાનો જેમાં,
તાટસ્થ્ય રહે ભરતીને ઓટે તે કવિતા,
વધે નામના રચયિતાની લોકમાં વસે,
પુષ્પહાર પહેરાવતી જે કોટે તે કવિતા,
બક્ષે અમરત્વ કવિને ઠેરઠેર ગૂંજનારી,
ના રહે કેવળ ભીંતતણા ફોટે તે કવિતા,
બની જાય અનન્ય શારદાની પ્રસાદી,
ના આવતું કોઈ એની જોટે તે કવિતા.
