ભાર શેનો આપો છો
ભાર શેનો આપો છો
ભણવું તો છે,
પણ ભાર શેનો આપો છો દફતરનો?
વિચારું તો છું,
પણ વૈતરું શાને આપો છો ઘરલેશનનું?
અભ્યાસું પણ છું,
પણ રટણ શાને આપો છો બે પૂંઠા વચ્ચેનું?
ભાષાઓ ગમે છે,
પણ વળગણ શાને આપો છો માત્ર અંગ્રેજીનું?
સાચું કહું- મને તો ગમે ખુલ્લું-ખુલ્લું...
વૃક્ષ તળે બેસવું,
નદી કાંઠે વિહરવું,
ઢોળાવો પરથી લપસવું,
અને મસ્ત પવનની લ્હેરખીએ લહેરાવું.....
શીદને બંધ દિવાલો આપો છો વર્ગખંડની?
વિશ્વામિત્ર, વશિષ્ઠ, સાંદિપની...
ગુરુઓ સઘળાંની વાતો બહું સંભળાવો છો...
પણ પ્રકૃતિ અંગે શિક્ષણ
ખુલ્લા વિચારો ને અઢળક સપના
પશુ-પંખી, વનસ્પતિનો સથવારો....
આ બધું દેખાય તો ક્યારે અપાવવાનું??
કહે બાળક ખુલ્લાં દિલે-
આ સંકડાશ જરા! ખલે છે
થોડી મોકળાશ આપો તો બહું સારું......
