અંતિમ સમયે
અંતિમ સમયે


હે ઈશ્વર,
એક વિનંતી છે તમને,
મારા અંતિમ સમયનો મને આપજે અણસાર,
મળી લઉં મારા પ્રિયજનોને છેલ્લી વાર.
મારી અવ્યક્ત લાગણીઓને કરી લઉં વ્યક્ત,
દૂર કરી લઉં નારાજગી,
માફી માંગી લઉં સૌની એક વાર.
મિત્રોને મળી લઉં ગળે પ્રેમથી,
ટપરીની ચાની ચુસ્કીઓની માણું મજા,
મારા સંતાનોના ભવિષ્યની કરી લઉં તૈયારી,
મારી નાનકડી દુનિયાને કંડારી લઉં નયનોમાં.
કઠિન છે કહેવું આવજો સૌને,
પણ આવજો કહ્યા વગર જવું,
બનશે એમના માટે સજા.
અંતિમ સમયે,
જીવનના સંસ્મરણોના ફેરવી લઉં પન્ના,
કડવી યાદોને ભૂંસી દઈ,
મીઠડી યાદોનો બાંધી લઉં સામાન.
મારા પોતીકાંઓની ખુશીઓની માંગું છું દુઆ,
પૂરી કરજો મારી આ વિનંતીને,
હે ઈશ્વર.