આવી તું
આવી તું
ભરવસંતે સ્વર્ગેથી ખરી અવનીઆંગણ આવી તું,
દિલમાં સ્નેહસુધા ભરી અવનીઆંગણ આવી તું,
કીધા કોકિલે ટહૂકાર જ્યાં તેં પગ ધરા પર દીધો ને,
તારી યાદ હતી ફરીફરી અવનીઆંગણ આવી તું,
રૂપસામ્રાજ્ઞી, રૂપગર્વિતા ઝાંઝરના ઝંકારે મોહનારી,
ખુદ રતિએ હાર કબૂલી અવનીઆંગણ આવી તું,
સંભળાયો રાગ વસંતબહાર તારા આગમને સૌને,
આકર્ષણ કેવું કેવું કરી અવનીઆંગણ આવી તું,
ભૂલી પડી કોઈ સ્વર્ગ અપ્સરા ભૂમંડલે ભાસનારી,
આંખડી તુજ દર્શને ઠરી અવનીઆંગણ આવી તું.