Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Inspirational

4.9  

Prashant Subhashchandra Salunke

Inspirational

એકતા નગરની નવરાત્રી...

એકતા નગરની નવરાત્રી...

4 mins
360


એકતાનગરમાં નવરાત્રીની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. પટેલભાઈ વસ્તીના છોકરાઓને લઈને ફાળો ઉઘરાવવા નીકળ્યા હતા. આમ તો પટેલભાઈ એકલા હાથે નવરાત્રીનો તમામ ખર્ચ ઉપાડી શકે તેવા દિલદાર અને સક્ષમ હતા પરંતુ તહેવારમાં સહુ પાસેથી ફાળો લીધો હોય તો તેઓને સહભાગી થવામાં સંકોચ ન થાય એવી ઉતમ ભાવનાથી જ તેઓ ઘરે ઘરે ફરી ફાળો ઉઘરાવી રહ્યા હતા. સહુ પહેલા તેઓ ઘોષબાબુના ઘરે ગયા અને બોલ્યા, “ઘોષબાબુ, અમારા ગુજરાતમાં નવરાત્રીને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આપણે પણ આપણા એકતા નગરમાં ગરબાનું આયોજન કર્યું છે. તો એ માટે ફાળાના સો રૂપિયા આપો.”

ઘોષબાબુએ તરત સોની નોટ કાઢી પટેલભાઈને આપતા કહ્યું, “પટેલબાબુ, અમારા પશ્ચિમ બંગાળમાં પણ નવરાત્રીને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અમે તેને દુર્ગા પૂજા કહીએ છીએ. આ ઉત્સવ અમારા માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ હોય છે. આમાં મા દુર્ગાની સુંદર નક્શીકામ કરેલી અને સજાવેલી માનવ કદની માટીની મૂર્તિઓ કે જેમાં તે મહિસાસૂર રાક્ષસનો વધ કરતી દર્શાવી હોય તેવી મૂર્તિઓની ગોઠવણ મંદિરો અને અન્ય જગ્યાઓ પર કરવામાં આવે છે. આ મૂર્તિઓની પૂજા અમે પાંચ દિવસ માટે કરીએ છીએ અને ત્યારબાદ તેને પાણીમાં પધરાવીએ છીએ.”

પટેલભાઈ બોલ્યા, “ઓહો... ખૂબ સરસ આપણે પણ આપણા એકતા નગરની મૂર્તિ એ પ્રકારની જ લાવીશું. બાકી મૂર્તિને અંતિમ દિવસે પધરાવવાનો રીવાજ અહીં પણ છે જ...”

ઘોષબાબુ ખૂબ ખુશ થયા.

આગળ પટેલભાઈ બિહારીબાબુના ઘરે ગયા. બિહારીબાબુએ સોની નોટ આપતા કહ્યું, “અમારા બિહારમાં વિજયાદશમીના દિવસે પાપ પર ભલાઇની જીતની ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમ્યાન રામલીલા ભજવાય છે, જેના અંતમાં રાવણ,  કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે.”

પટેલભાઈ બોલ્યા, “બિહારીબાબુ તમે જરાયે ચિંતા કરશો નહીં... આપણે પણ દશેરાના દિવસે વસ્તીના બાળકોને લઈને રામલીલા ભજવીશું અને અંતે રાવણ,  કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન કરીશું.”

આ સાંભળી બિહારીબાબુ બોલ્યા, “વસ્તીના બાળકોને રામલીલાની પ્રેક્ટીસ હું કરાવીશ.”

આ સાંભળી બાળકો ખૂબ ખુશ થયા. તેઓ બિહારીબાબુની જય બોલાવી આગળ વધ્યા.

રસ્તામાં પેટ્રોનું ઘર આવતા પટેલભાઈએ વિચાર્યું કે આ ગોવાનીઝને નવરાત્રીના તહેવારનું શું મહત્વ? આમ વિચારી તેઓ આગળ વધતા જ હતા ત્યાં પેટ્રોએ બુમ પાડી કહ્યું, “ઓ... પટેલભાઈ, આ શેનો ફાળો ઉઘરાવો છો?”

પટેલભાઈએ જયારે માંડીને વાત કરી ત્યારે પેટ્રોભાઈ બોલ્યા, “અરે વાહ! અમારા ગોવામાં પણ નવરાત્રીનું ખૂબ મહત્વ છે.”

પટેલભાઈ નવાઈ પામતા બોલ્યા, “શું વાત કરો છો?”

પેટ્રોએ કહ્યું, “હા... અમારા ગોવામાં નવરાત્રી દરમ્યાન જાત્રાની શરૂઆત થાય છે. આખા એન્ટ્રીઝ (ફોન્ડા)ને ખૂબ સજાવવામાં આવે છે. સારસ્વત બ્રાહ્મણ દ્વારા મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવે છે અને મૂર્તિઓને પૂજા માટે બહાર લાવવામાં આવે છે. મૂર્તિઓને વસ્ત્રો અને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે, તેમના પર ચંદન, હળદર, કંકુ લગાવવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન ભક્તોને ખાસ દર્શન કરવા મળે છે અને મોટાભાગના ભક્તો કોલ પ્રસાદ માટે રાહ જોતા હોય છે, કારણકે આ પ્રસાદ ભગવાન અને દેવીને પણ આપવામાં આવતો હોવાથી તેનું ભક્તોમાં બહુ મહત્વ છે. દેવીઓની ઢાલની પૂજા ભક્તો કે પૂજારીઓ દ્વારા સતત ફૂલો ચઢાવીને કરવામાં આવે છે, આ ફૂલોને બદલવામાં આવતા નથી. ઉત્સવની છેલ્લી રાતે આ ફૂલોને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. સારસ્વત બ્રાહ્મણની દશ મૈત્રિકા (ગોવાની દસ બહેનો)ની મૂર્તિને મંદિરમાંથી બહાર લાવીને તેમની પૂજા કરવામાં આવે છે - આ દેવીઓના નામ શાન્તાદુર્ગા, આર્યદુર્ગા, મહાલાસા, કાત્યાયાની, મહામાયા, કામાક્ષી, વિજયાદુર્ગા, ભૂમિકા, મહાલક્ષ્મી અને નવદુર્ગા છે.”

પટેલભાઈ બોલ્યા, “પેટ્રોભાઈ, તમારી વાત સાંભળી આનંદ થયો. આપણે પણ નવરાત્રીના છેલ્લે દિવસે દેવીને ચઢાવેલા ફૂલોને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચીશું...”

પેટ્રોભાઈ આ સાંભળીને ખૂબ ખુશ થયા તેમણે સોને બદલે પાંચસોની નોટ કાઢી પટેલભાઈને આપી. પટેલભાઈ તેમનો આભાર માની આગળ વધ્યા.

નાયરભાઈ તેમના ઘરના આંગણે નારિયલ છોલતા બેઠા હતા. પટેલભાઈને આવતા જોઈ તેઓ હાથમાં કોયતો લઇ તેમની સામે ઘસી ગયા. આ જોઈ પટેલભાઈ હેબતાઈને બોલ્યા, “નાયરભાઈ, કોયતા વડે મારું ડોકું વાઢવાનો ઈરાદો છે કે શું?”

નાયરભાઈ હસીને બોલ્યા, “કેવી વાતો કરો છો જી... હું તો તમે શું કહેવા આવ્યા છો તે જાણવા દોડી આવ્યો છું.”

પટેલભાઈએ નવરાત્રીની વાત કરતા નાયરભાઈ બોલ્યા, “અરે વાહ! અમારા કેરળમાં, શરદ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો એટલે કે અષ્ટમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે જેમાં ચોપડીઓની પૂજા કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે અમે અમારા ઘર, પરંપરાગત બાળવાડીઓ કે મંદિરમાં પુસ્તકો મૂકી તેની પૂજા કરીએ છીએ. વિજયાદશમીના દિવસે, સરસ્વતીની પૂજા બાદ ચોપડીઓને ઔપચારિક રીતે વાંચન અને લખાણ માટે બહાર કાઢવામાં આવે છે. વિજયાદશમીને બાળકોના લખવા કે વાંચવા માટેની નવી શરૂઆત તરીકે શુભ માનવામાં આવે છે, તેને વિદ્યાઆરંભ પણ કહેવાય છે. કેરળમાં આ દિવસે દસ હજાર બાળકો શબ્દની દુનિયામાં દાખલ થાય છે. આંધ્ર પ્રદેશમાંથી છૂટા પડેલા તેલગાંણા રાજ્યમાં નવ દિવસોના આ સમયમાં બથુકામ્મા નામનો ઉત્સવ લોકો દ્વારા ઉજવવામાં આવે છે. તે તમારા નવરાત્રી ઉત્સવ જેવો જ હોય છે.”

આ સાંભળી પટેલભાઈ બોલ્યા, “વાહ, આપ સહુની વાતો જાણી ઘણો આનંદ થયો. આપણે પણ અષ્ટમીના દિવસે પુસ્તકોની પૂજા કરીશું. વળી વિજયા દશમીના દિવસે વસ્તીના બાળકો પાસેથી પુસ્તકોનું વાંચન કરાવીશું.”

એ વર્ષે એકતાનગરની નવરાત્રી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ. સહુ ધર્મના લોકોના રીતિરિવાજના સુપેરે સંગમથી ઉજવાયેલી નવરાત્રી એવી તો યાદગાર બની રહી કે એ પછી દર વર્ષે તેઓએ આ રીતે જ નવરાત્રીની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આમ અદભૂત, અદ્વિતીય અને અજોડ બની રહી એકતા નગરની નવરાત્રી...

*****


Rate this content
Log in

Similar gujarati story from Inspirational