Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajul Shah

Children Inspirational Others

3  

Rajul Shah

Children Inspirational Others

સમભાવ

સમભાવ

3 mins
14K


પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ તબક્કા આવતા જ હોય છે અને આવતા જ રહેવાના. ક્યારેક ચડતી- ક્યારેક પડતી. ક્યારેક સુખના હિંડોળે તો ક્યારેક તકલીફોના ચક્કરે. મોટાભાગે એવું બને કે દુઃખમાં કે તકલીફમાં કોઇના સાથ કે સધિયારાની આવશ્યક્તા જણાય પરંતુ સુખના હિંડોળે ઝૂલતા હોય ત્યારે ? ત્યારે તો આસપાસની વ્યક્તિઓ કે વાતાવરણ ક્યાંય કશું જ જાણે સ્પર્શતું જ ન હોય એમ માત્ર પોતાની મસ્તીમાં જ મગ્ન.

આવી જ રીતે બાપ કમાઈ અને થોડી આપ કમાઈથી ધનાઢ્ય બનેલો એક સાહસિક યુવાન ઉદ્યોગપતિ પોતાની પ્રગતિના પ્રતિક જેવી સાવ નવી મર્સિડિઝ લઈને શહેરના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ગાડી અને યુવાન બંને પોતાની રફ્તારે જઈ રહ્યા હતા ત્યાં જ અચાનક કોઇ એક ખૂણેથી મોટો પત્થર આવીને ધડામ… કરતો ગાડીના કાચ સાથે અથડાયો. અત્યંત મોંઘી ગાડીના કાચ પર મોટી મસ તિરાડ પાડતો એ પથ્થર બોનેટ પર અથડાયો અને ત્યાં ય ગોબો પાડતો ગયો અને યુવાનના દિલ પર તો વળી અસંખ્ય તિરાડો પડી ગઈ.

ગાડીને બ્રેક મારીને એમાંથી એ યુવાન ઉતર્યો અને આજુબાજુ જોયું તો એ રસ્તાની કોરે એક ટેણીયો દેખાયો. યુવાનનું દિમાગ તો ગુસ્સાથી ફાટ-ફાટ. એણે એ ટેણીયાની પાસે જઈને સીધી એની ફેંટ પકડી અને હાથ ઉગામવા જતો હતો અને એ ટેણીયો રડી પડ્યો. યુવાન જરા ઢીલો પડ્યો પણ ગુસ્સો તો હજુ જ અકબંધ જ હતો. એણે પેલા બાળકને અત્યંત કઠોર અવાજે પૂછ્યું,

“આ શું માંડ્યુ છે? આવી રીતે રસ્તા પર ઉભા રહીને આવતી જતી ગાડી પર પત્થર ફેંકાય ? શા માટે તેં મારી ગાડી પર પત્થર ફેંક્યો ? ગાડીને કેટલું નુકશાન પહોંચાડ્યું એની સમજ પડે છે ? તારા મન રમત છે પણ મને ઈજા થઈ હોત તો ?”

બાળકે રડતા રડતા જવાબ આપ્યો,“ સાહેબ, મને ખબર છે આપની ગાડીને મેં નુકશાન પહોંચાડ્યું છે અને મેં આ પથ્થર રમતમાં પણ નથી ફેંક્યો. મારો ભાઈ અપંગ છે અને ત્યાં પેલા ઝાડ પાસે વ્હીલચેર પરથી ગબડી પડ્યો છે અને એને ઘણું વાગ્યુ પણ છે. મારા એકલાથી એને ઉભો કરીને વ્હીલચેર પર બેસાડી શકાય એમ છે નહીં. ક્યારનો હું અહીં એકલો ઉભો ઉભો બૂમો મારીને મદદ કરવા સૌને બોલાવતો હતો પણ સાહેબ કોઈ મારી મદદે ન આવ્યું એટલે હારી થાકીને મારે આવું કરવું પડ્યું. મારી ભૂલ થઈ છે એની મને ખબર છે, મને માફ થાય તો માફ કરજો નહીં તો જે સજા આપશો એ મને મંજૂર છે પણ મારી પર મહેરબાની કરો અને મારા આ ભાઈને ઉભો કરવામાં મને મદદ કરો.

પેલા બાળકની વાત સાંભળીને યુવાનનો ગુસ્સો ઠરી ગયો, હ્રદય કંપી ઉઠ્યુ અને એણે વ્હીલચેર પરથી ગબડી પડેલા પેલા બાળકના ભાઈને ટેકો આપીને વ્હીલચેરમાં બેસાડ્યો. પોતાની ગાડીમાંથી ફર્સ્ટ એઈડ બોક્સ કાઢીને ઈજા સાફ કરી, દવા લગાડીને પાટો બાંધી આપ્યો. આભાર માનીને પેલો ટેણીયો વ્હીલચેરને ધકેલતો પોતાના રસ્તે પડ્યો પણ એ ટેણીયો દેખાયો ત્યાં સુધી એ યુવાને એને જોયા કર્યો.

એ પછી તો એણે પોતાની ગાડી રિપેર કરાવી પણ બોનેટ પરનો ગોબો તો એમ જ રહેવા દીધો. કારણ ? કારણ કે સફળતા પામ્યા પછી પણ એ યુવાનમાં સહ્રદયતા ટકી રહી હતી. આજે પણ એ ગાડીના બોનેટ પરનો ગોબો જુવે છે અને એના જીવનમાં બનેલી ઘટનાને મનમાં તાજી રાખે છે.

એની પાછળનો વિચાર કહો કે હેતુ આપણા માટે પણ પ્રેરણાદાયી છે. “જીવનમાં ક્યારેક એટલી તીવ્ર ઝડપ ન રાખીએ કે આપણું ધ્યાન ખેંચવા કોઇએ આપણી તરફ પથ્થર ફેંકવો પડે.”

એટલા પણ સ્વકેન્દ્રી ન બનીએ કે આપણા મનમાં સ્વ સિવાય અન્યનો વિચાર પણ ન આવે. પોતાની સગવડો સાચવવા અન્યની જરૂરિયાત તરફ લક્ષ્ય જ ન આપી શકીએ. આપણે જે મેળવ્યુ છે એમાં આપણી મહેનતની સાથે ઈશ્વરની કૃપા ભળેલી છે તો એ જ ઈશ્વરની સર્જેલી દુનિયાના અન્ય લોકો તરફ દુર્લક્ષ્ય પણ ન કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Children