Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational

જસ્ટ વેઈટ એન્ડ વોચ

જસ્ટ વેઈટ એન્ડ વોચ

4 mins
1.4K


હું જયારે પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારે અમારા શાળામાં વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. હિંમત કરીને મેં એ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મને એ કહેતા ગર્વની અનુભૂતિ થાય છે કે મારા વર્ગમાંથી મારા સિવાય બીજા કોઈએ ભાગ લીધો નહોતો! મારા વર્ગમિત્રોને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે, “પ્રશાંત, તારામાં અક્કલ બક્કલ છે કે નહીં? વકૃત્વ સ્પર્ધામાં તેં ભાગ શું વિચારીને લીધો? જો તને સ્ટેજ પર બોલતા નહીં આવડે ને તો બધા સામે હાંસીપાત્ર બનીશ.” હું તેમની વાત સાંભળીને ડરી ગયો પરંતુ બીજી જ ક્ષણે મેં તેઓને પડકાર આપતા કહ્યું, “હવે ભાગ લીધો છે. તો જે થશે તે જોઈ લેવાશે.”


હવે હું વકૃત્વ સ્પર્ધા માટે તનતોડ મહેનત કરવા લાગ્યો. સ્પર્ધામાં બોલવા માટે તૈયાર કરેલી સ્પીચને મેં બરાબરની ગોખી લીધી. મારા પિતાજી, માતાજી થતા મોટાભાઈ પાસેથી મેં તે બબ્બે ત્રણ ત્રણ વાર મોઢે લેવડાવી. મારું માનવું હતું કે જો તૈયારી બરાબર હશે તો આપણને કોઈ હરાવી શકતું નથી. મારે મારા દોસ્તોને દેખાડવાનું હતું કે ડરથી નાસીપાસ થઈને આમ સ્પર્ધામાંથી બાદ થવું ન જોઈએ. હું તે સહુ સામે એક દાખલો બેસાડવા માંગતો હતો.


સ્પર્ધાના દિવસે ઈશ્વરનું નામ લઈને હું જ્યાં સ્પર્ધા હતી તે હોલમાં દાખલ થયો. એકથી સાત ધોરણ સુધીના વિદ્યાર્થીઓથી આખો હોલ ખીચોખીચ ભરાયો હતો. મારી બાજુમાં બેઠેલા મારા મિત્રે મને કહ્યું, “જોયું? આટલા લોકો વચ્ચે તું બોલી શકીશ?”

નાનપણમાં ભીડ જોઇને હું ખૂબ ડરી જતો. મેં મારા મનને સ્થિર કરી ઈશ્વરનું નામ લીધું. હવે હું મનોમન મારા ભાષણને યાદ કરવા લાગ્યો. મેં નક્કી કર્યું હતું કે મારી આગળ જે બીજા વિદ્યાર્થીઓ બોલશે તેને જોઇને હું તેમાંથી કંઈક શીખીશ. ત્યાંજ મંચ પરથી સહુથી પહેલા મારું જ નામ પોકારાયું! મારી સઘળી હિંમત અહીં જ પડી ભાંગી છતાંયે હું હિંમત કરીને મંચ પર જઈને ઉભો રહ્યો. હવે મારી સામે બેઠેલી ભીડને જોઇને હું ડરી ગયો. મને એમ લાગ્યું કે જાણે તે સહુ મને જોઇને હસી રહ્યા હતા! “આટલા લોકો વચ્ચે તું બોલી શકીશ?” “સ્ટેજ પર બોલતા નહીં આવડે ને તો બધા સામે હાંસીપાત્ર બનીશ.” મારા દોસ્તોના સંવાદ મારા મન મસ્તિષ્કમાં વંટોળ બની ઘુમરાઈ રહ્યા.


અમારા વર્ગ શિક્ષકે કહ્યું, “પ્રશાંત, બોલવાનું શરૂ કર.”

પરંતુ પ્રશાંત બિચારો શું બોલે? હું તો ભીડને જોઇને મારું નામ જ ભૂલી ગયો હતો ત્યારે ભાષણની શરૂઆત ક્યાંથી યાદ આવે? થોથવાતા જીભે મેં શરૂઆત કરી, “મારી શાળા.... મારી શાળા....” મને મારી શાળાનું નામ જ યાદ આવ્યું નહીં! હું વળીને પાછળ લાગેલા બેનર પર મારા શાળાનું નામ વાંચીને તે આડુંઅવળું બોલી ગયો. આ જોઈ આખો હોલ ખડખડાટ હસી પડ્યો. મારો એ મિત્ર કે જેણે મને કહ્યું હતું કે તું બધા સામે હાંસીપાત્ર બનીશ તે ડોળા કાઢી મારી સામે જોઈ રહ્યો હતો. મેં આંખો બંધ કરીને મનને શાંત કર્યું અને મારા ભાષણની શરૂઆતને યાદ કરવા લાગ્યો. ત્યાંજ અમારા વર્ગ શિક્ષક બોલ્યા, “બસ... પ્રશાંત તારો સમય પૂરો થયો... કદાચ પ્રથમ જ બોલાવ્યો હોવાથી બિચારો વિદ્યાર્થી ડરી ગયો છે. વાંધો નહીં હવે શરૂઆત મોટા વિદ્યાર્થીઓથી કરીએ ત્યારબાદ નાના વિદ્યાર્થીઓને મોકો આપવામાં આવશે.” મેં અકળાઈને વિચાર્યું કે, “આ વાત પહેલા સુઝી નહોતી.” હું નીચું માથું કરીને મંચના પગથિયાં ઉતરી ગયો. આખો હોલ મને જોઇને ખડખડાટ હસી રહ્યો હતો. કદાચ સ્ટેન્ડઅપ કોમેડીની સ્પર્ધા હોત તો વિજેતા જરૂર હું જ જાહેર થયો હોત. મારા જે મિત્રોએ મને સાવધ કર્યો હતો તેઓ આ મોકા પર જરા વધુ હસી રહ્યા હતા. આ ઘટના બાદ મેં વિચાર્યું કે, “જો મેં એ દિવસે થોડી હિંમત કરી હોત તો? આખો હોલ હસશે એ બીકે હું બોલ્યો નહીં પરંતુ એથી થયું શું? મારો ડર જ આખરે સાચો પડ્યો ને! ત્યારબાદ મેં મનોમન નક્કી કરી લીધું કે આજ પછી લોકો શું કહેશે એ વાતની હું જરાયે ચિંતા કરીશ નહીં. કદાચ આ જ ઘટનાને કારણે આગળ જતા હું નાટકમાં ભાગ લઇ શક્યો. રાજકારણમાં રહી પ્રમુખ તરીકેની જવાબદારી મેળવી લોકોના ટોળાને સંબોધી શક્યો.


આજે વર્ષો બાદ ઈ.સ. ૨૦૧૯માં જયારે મારી પત્નીને ત્રીજીવાર કસુવાવડ થઇ ત્યારે તે મને બાઝીને રડી પડી. હું રડમસ વદને તેને સાંત્વના આપી રહ્યો. મારી પત્નીને સંતાન થવા માટેનો આ છેલ્લો મોકો હતો. તેણે મને રડતાં રડતાં કહ્યું, “આપણને સંતાન નથી તો આ દુનિયા શું કહેશે?”


આ પછી મેં જે કંઇ કહ્યું તે કહેવાની હિંમત અને બુદ્ધિ મને ઉપરોક્ત પ્રસંગથી જ આવી હતી. મેં મારી પત્ની દીપાને શાંતિપૂર્વક કહ્યું, “દુનિયાને જે કહેવું હોય તે કહેશે. તે વિચારી આપણે શું કામ દુઃખી થવું? સાંભળ આ દુનિયામાં જેમને સંતાનો છે તેઓ પણ ક્યાં ખુશ છે? અમસ્તા જ ઘરડાઘરની ભીંતો રોજ રાતે અશ્રુઓથી પલળતી નથી. સંતાન હોવું જ એ કંઇ એક માત્ર સંતોષનું કારણ નથી. સમજી? આપણે એકમેક સાથે હળીમળીને અને આનંદથી રહીશું. આજ પછી ક્યારેય આપણને સંતાન નથી એ વાતથી દુઃખી ન થઈશ. મારા લખાણો જ આજ પછી આપણા સંતાનો છે. તેઓ જ આગળ આપણા બંનેનું નામ ઉજ્જવળ કરશે. જો તને સંતાન નથી આ વાતથી કોઈ મહેણાં ટોણા મારશે તો તેમને વટથી કહેજે કે કોણ સુખી છે તે તમને થોડાક વર્ષોમાં જ સમજાઈ જશે... જસ્ટ વેઈટ એન્ડ વોચ...”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational