યાદો અતીતની
યાદો અતીતની
રાજેશ આજે ખૂબ ખુશ હતો વતન જવા માટે જે દિવસની કાગ ડોળે રાહ જોતો હતો એ દિવસ આજ થઈ સામે ઉભો હતો. રાજેશ, ગુજરાતના નાના ગામડાનો વતની હતો અહીંનું ભણતર પૂરું કરી આગળ અભ્યાસ માટે અમેરિકા 20 વર્ષ પહેલાં આવ્યો હતો ભણવાની ધગશ આગળ વધવાની તમન્ના અને કંઈક બનાવની મહેચ્છામાં આટલો સમય ક્યાં વહી ગયો ખબર ન પડી.
એ સમય દરમ્યાન તેણે પોતાના જ વતનની પણ અમેરિકામાં સ્થાયી થયેલા કુટુંબની કન્યા સાથે લગ્ન પણ કર્યા હતા. વતનમાં બા બાપુજી પણ તે કુટુંબને જાણતા હોવાથી રાજી ખુશીથી સંમતિ આપેલ અને રાજેશની પત્ની રેખા પણ નાના ગામડાની અને રાજેશની જેમ વતન પ્રેમી અને નખશીખ ગુજરાતી હતી. ઘરમાં વાત પણ ગુજરાતીમાં જ કરતા, તેમના બે પુત્રો, મિતુ અને અમરને પણ ગુજરાતીનું જ્ઞાન આપવાનું રાખ્યું હતું તેમને પણ ઘરમાં વાતચીત ગુજરાતીમાં જ કરવાની ટેવ પાડી હતી. ગુજરાતી, માતૃભાષામાં લખતા વાંચતા પણ શીખવતા હતા. જેથી વતન સાથે નાતો જોડાઈ રહે.
રાજેશ અમેરિકામાં જ સ્થાયી થવાનો હોવા છતાં તેણે વતન પ્રેમ ગુજરાતીપણુ છોડ્યું નહોતું ખાસ તો તે તેના બાળકોને વાર્તા પણ ગુજરાતીમાં જ કહેતો અને ગુજરાતની, ભારતની વગેરે અસ્મિતાનો, ઇતિહાસ, મહાન વ્યક્તિઓ વિશે વાત કરતો, દાદા, દાદી, નાના, નાની બીજા સગા સંબંધીઓ સાથે વાત, વિડિઓ કોલ સમયે વાતચીત પણ બાળકો ગુજરાતીમાં કરતા આથી દાદા, દાદી વગેરેને બાળકો સાથે પોતાપણું લાગતું અને મળ્યા જેટલો આનંદ થતો.
આજે રાજેશ વારંવાર ઘડિયાળમાં સમય જોયા કરતો હતો, એણે બે ત્રણ વખત રેખાને પણ પૂછ્યું આજે ઘડિયાળ કઈક ધીમી ચાલે છે. રેખા હસીને જવાબ આપતી તમને એવું એટલે લાગે છે કે વીસ વર્ષના અંતરાલનો સમય તમારે એક સાથે સમેટી લેવો છે બાકી ઘડિયાળ બરોબર ચાલે છે. અને આપણી ટીકીટ સાંજે નવ વાગ્યાની છે. આપણે સાત વાગે એરપોર્ટ ઉપર પહોંચવાનું છે. અત્યારે બાર વાગ્યા છે. તમે ગમેં તેટલી ઉતાવળ કરશો સમય તો તેની રફતારથી જ ચાલશે.
એકલા રાજેશને જ સમય સ્થંભી ગયો એમ નહોતું લાગતું, રાજેશના બાળકોને પણ જલ્દી વતન પહોંચી રાજેશે જે તેની બાળપણની રમતોની વાત કરી હતી તે વિશે જાણવાની અને માણવાની ઈચ્છા હતી. રાજેશ જ્યારે વાત બાળકોને કરતો ત્યારે રેખા કહેતી તમે જે વાત કરો છો એ સમય ઉપર સમયની ધૂળ ચડી ગઈ છે. આજે વતનમાં પણ ઘણું બદલાઈ ગયું હશે પણ કોણ જાણે કેમ રાજેશ આ વાત માનતો અને સમજતો હોવા છતાં તેને અતીતના સ્મરણોને વાગોળવું ગમતું અને બાળકો સાથે વાત કરી આનંદ મેળવવો પણ ગમતો.ઘણી વખત બાળકો સાથે વાત કરતા કરતા ગામડાની વાત સાથે પોતાના ખેતર--ખેતીની વાત કરતો.
રાજેશ બાળકોને વાત કરતો કે ગામમાં ચોરો હોય ત્યાં બધા વડીલો ભેગા થઈ અલક મલકની વાતો કરતા હોય ગામના પાદરે કૂવો હોય ત્યાં બેનું, દીકરીયું, અને વહુઓ પાણી ભરવા જતી હોય, ગાય, ભેંસ, વગેરે પશુઓનું ઘણ સવારે ચરવા જાય અને સાંજે દિવા ટાણે ગૌધીલિક સમયે ઘણ પોતાના ઘરે ધૂળની ડમરી ઉડાડતું પાછું ફરે.
રોજ સવારે અને સાંજે ઠાકોરજી, માતાજી, ભોલેનાથના મંદિરે આરતી થાય અને સર્વત્ર વાતાવરણ પવિત્ર થાય પછી રાત્રે ગામ જંપી જાય, પોતાની ખેતી વાડીની, વાડી માં ભાઈ બંધ સાથે આંબલી પીપળીની રમત, આંધળા પોટાની, ગિલ્લી દંડાની રમત વિશે વાત કરતો, બાળકોને વચ્ચે ઘણા શબ્દોની સમજણ ન પડે ત્યારે રાજેશ, રેખાને પુછી લેતા પણ વાત ખૂબ રસથી સાંભળતા. રાજેશ જ્યારે વાત કરતો ત્યારે ભાવ વિભાર થઈ ગામડામય બની જતો. રેખાને પણ ગામડા પ્રેત્યે લગાવ હતો. એ પણ વચ્ચે ટાપસી પુરાવતી. રાજેશના બાળકોને ગામડાના આ શબ્દ ચિત્રથી ગામડું જોવાની ઉત્કંઠા ખૂબ વધી ગઈ હતી. બાળકોને પણ વતન પહોંચી ગામડું જોવું હતું અને એટલે તે પણ વારંવાર પૃચ્છા કરતા હવે આપણે ક્યારે નીકળવાનું છે.
રાજેશના વતન પ્રેમથી વતનમાં તેંના બા, બાપા પણ ખુશ હતા કે રાજેશ એક દિવસ વતન જરૂર પાછો આવશે અને રાજેશને પણ અંદરથી કોઈક વાર તીવ્ર ઈચ્છા વતન પાછા ફરવાની થતી પણ મહત્વાંકાંક્ષા અને ડોલરનો પ્રેમ ઈચ્છા ઉપર હાવી થઈ જતો અને એમ કરતાં ત્યાં જ વસવાટ કરી લીધો હતો.
પણ આજની વતન તરફની મુસાફરી એ અતિતીના સ્મરણોને તાજા કરી, સ્મરણોમાં જીવવાની હતી અને જુના સ્મરણો સાથે નવા સ્મરણોનું ભાથું ભરવાની હતી. એટલે સમય અને ઘડિયાળ ધીમા ચાલતા લાગતા હતા.
