યાદો ૨૧ દિવસની (ભાગ ૧૫)
યાદો ૨૧ દિવસની (ભાગ ૧૫)
વહાલી ડાયરી, આજે લોક ડાઉનને કારણે મળેલ ફુરસદના સમયનો સદુપયોગ કરવાના ઈરાદે મેં “હરણ અને સિંહ” નામની એક જ વાર્તાને બે અલગ અલગ પહેલુંમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે મારો આ પ્રયત્ન તમને ખૂબ જ ગમશે.
પહેલું ૧ :
એકવાર એક હરણ શિકારીઓએ ખોદેલા ખાડામાં પડી ગયું, ખાડો ખૂબ જ ઊંડો હતો. બિચારું હરણ તેમાંથી બહાર નીકળવા કુદકો મારતું પણ બીજી જ ક્ષણે નીચે ભોંય પર આવીને પછડાતું. અચાનક તેની નજર દુરથી આવી રહેલા એક સિંહ પર પડી. સિંહને પોતાની તરફ જ આવતો જોઈ હરણ બરાબરનું ગભરાઈ ગયું.
હવે બન્યું એવું કે સિંહે હમણાં જ ભરપેટ ભોજન કરેલ હોવાથી તે હરણ તરફ ધ્યાન આપ્યા વગર ત્યાંથી નીકળી ગયો. હવે ખાડામાં પડેલું હરણ વિચારવા લાગ્યું કે, “કેમ સિંહે તેને કશું કર્યું નહીં ? કદાચ તે તેના કુટુંબીજનોને બોલાવવા ગયો હશે. હવે તેઓ બધા અહીં આવશે અને મને મારીને ફાડીને ખાઈ જશે !”
આ ખોટી કલ્પના મનમાં આવતા જ હરણ ભયથી થરથર કંપવા લાગ્યું. તે એટલું ડરી ગયું કે ડરના માર્યા તેનું હૃદય જ ધબકતું બંધ થઇ ગયું !
ક્યારેક ક્યારેક આ ડરપોક હરણની જેમ જ આપણે પણ ખોટી આશંકાઓ કરી પરિસ્થિતિથી ગભરાઈ જતા હોઈએ છીએ. આજે કોરનટાઈલ કરેલ એક વ્યક્તિએ આત્મહત્યા કર્યાના સમાચાર જ
ાણી મને આ વાર્તા સ્ફૂરી !
પહેલું ૨ :
એકવાર એક હરણ શિકારીઓએ ખોદેલા ખાડામાં પડી ગયું, ખાડો ખૂબ જ ઊંડો હતો. બિચારું હરણ તેમાંથી બહાર નીકળવા કુદકો મારતું પણ બીજી જ ક્ષણે નીચે ભોંય પર આવીને પછડાતું. આખરે કંટાળીને હરણે ઈશ્વરને ફરિયાદ કરી કે, “હે ભગવાન! તું મને ક્યાં જન્મની સજા આપી રહ્યો છું. આખરે મેં કોઈનું શું બગાડ્યું છે. તું કેમ હંમેશ મને જ તકલીફ આપે છે ?”
અચાનક તેની નજર દુરથી આવી રહેલા એક સિંહ પર પડી. સિંહને પોતાની તરફ જ આવતો જોઈ હરણ બરાબરનું ગભરાઈ ગયું. હવે બન્યું એવું કે હરણ ખાડામાં પડેલું હોવાથી સિંહનું તેના તરફ ધ્યાન જ ગયું નહીં અને તે પોતાની મસ્તીમાં આગળ નીકળી ગયો. હવે હરણ એ વિચારી ધ્રુજી ઉઠ્યું કે જો તે ખાડામાં પડ્યું ન હોત તો આજે તેનું શું થાત ?”
કોઈએ સાચું જ કહ્યું છે કે ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે. આજે દેશ જયારે એકજુટ થઈને કોરોના જેવા વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે આપણે સહુ માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણે દરેક પરિસ્થિતિને હકારાત્મક રીતે જોઈએ.
આભાર, કાલે આ જ વાર્તાને બીજા બે અલગ પહલુમાં લખવાનો પ્રયત્ન કરીશ. આખરે લોકડાઉનના આ પિરિયડમાં મારે ઘરે બેસીને બીજું કરવાનું જ શું છે!