યાદો ૨૧ દિવસની : ૫
યાદો ૨૧ દિવસની : ૫
આજે પણ સવારે વહેલા ઉઠી ઘરને સેનીટેશન કરવાની પ્રક્રિયા હાથ ધરી.
હાલ, લોકડાઉનના સમયગાળાનો સદુપયોગ કરવા મેં અને મારી પત્નીએ અમારા ઘરમાં આવેલી લાયબ્રેરીના પુસ્તકોના ખાનાની સાફસફાઈ કરી. પુસ્તકોને વ્યવસ્થિતપણે ગોઠવવાની સાથોસાથ અમે તેઓની યાદી બનાવવાનું પણ શરૂ કર્યું.
મારી પત્ની પાસે મારી લાયબ્રેરીમાં કેટલી અને કયાં લેખકની પુસ્તક છે તેની વિગતવાર માહિતી છે. અમે લોકોએ તે યાદી સાથે અમારી નવી યાદીને મેળવવાનું શરૂ કર્યું. હવે કેટલીકવાર એમ બનતું હોય છે સગાવહાલા પુસ્તકો વાંચવા લઇ જાય પરંતુ પાછા આપતા જ નથી. નવી યાદી સાથે જૂની યાદીને મેળવી જોતા અમને આવી કેટલીયે ગુમ થયેલી પુસ્તકો વિશેની માહિતી મળી. હવે અમારા ઘરેથી કોઈ પુસ્તક લઈ જાય તો કોણ, ક્યારે અને કઈ પુસ્તક લઇ ગયો તેની વિગતવાર માહિતી હોય છે. બસ પછી તો શું તે લીસ્ટના આધારે અમને અમારા પુસ્તકોની કડી મળી ગઈ. લિસ્ટના આધારે અમે એવા સગા સબંધીઓના નામ શોધી કાઢ્યા કે જેઓ પુસ્તક તો લઇ ગયા હોય પરંતુ પાછી આપી ગયા નહીં હોય. મારી પત્ની દીપાએ તેમને ફોન કર્યો અને અમારી પુસ્તક તેમની પાસે હોવાનું યાદ દેવડાવ્યું. સાથે વિનંતી કરી કે આ લોક ડાઉનના સમયગાળા દરમ્યાન અમારા પાસેથી લઇ ગયેલા પુસ્તક વાંચન કરી લે અને લોકડાઉન પછી અમને તે પરત આપી દે...
આમ, આજે લોક ડાઉનનો સદુપયોગ કરી અમે એક કાંકરે ત્રણ પંખી માર્યા.
૧) અમારી લાયબ્રેરી સુવ્યવસ્થિત થઇ ગઈ.
૨) અમને અમારી કેટલીયે ખોવાયેલી પુસ્તકો જડી ગઈ
3) સગા વ્હાલાઓને આડકતરી રીતે ઘરે બેસી પુસ્તક વાંચવા પ્રેરિત કર્યા.
બીજું કે આજે લાયબ્રેરીની પુસ્તકો ગોઠવતા દરમ્યાન કેટલીક એવી પુસ્તકો મળી જે હજુ વાંચવાની બાકી છે. તેમની એક અલગથી યાદી બનાવી છે જેની ચર્ચા ફરી ક્યારેક કરીશું.