યાદો ૨૧ દિવસની :: ૧૨
યાદો ૨૧ દિવસની :: ૧૨


એકદિવસ ગધેડાઓની સભા મળી સભાનો મુખ્ય વિષય હતો કે આપણને બધાં હીન સમજે છે. આપણા સૌ પાસેથી વેતરૂ કરાવે છે અને શાબાસીને બદલે ઉલટાનું આપણી ગધેડાઓની જાતને ગાળો આપે છે. આ ફરિયાદ લઈને તેઓ બ્રહ્માજી પાસે ગયાં.
આગેવાન ગધેડાએ બ્રહ્માજી પાસે રજૂઆત કરતા કહ્યું, “હે ભગવાન, અમારા ગધેડાઓની તમે બનાવેલ સૃષ્ટિમાં ઘણી ઉપેક્ષા થાય છે. અમને ન્યાય આપો ક્યાર સુધી અમે વેઠ્યાં બનીને જીવીશું ? કેટલાં જન્મ આવા હીનતાભર્યા અપમાનજનક શબ્દો અમે સાંભળતા રહીશું ? અમારા નસીબ ક્યારે ચમકશે ? ક્યારે લોકો અમને માનભરી નજરથી જોશે ?”
બ્રહ્માજીને ગધેડાઓની દયા આવી. ફરિયાદનો નિકાલ લાવવાં એ બધાની પીઠ પર હીરા ભરેલી ગુણો લાદી અને કહ્યું “સુખી ભવ:”
આ જોઈ ગધેડાઓએ નિરાશ વદને પૃથ્વી તરફ પ્રયાણ કર્યું. એક ગધેડાએ આગેવાન ગધેડાને કહ્યું, “બ્રહ્માજી પાસે જઈને પણ શું ફાયદો થયો ? આખેર બ્રમ્હાએ પણ આપણી પીઠ પર આ હીરા ભરેલી ગુણો લાદી આપણી પાસેથી વૈતરું જ કરાવ્યુંને”
આ વાર્તા આજની પરિસ્થિતિ જોઇને મને સુઝી આવી.
હવે જુઓને જયારે દેશના વડાપ્રધાનએ આપણે જયારે હાથ જોડીને ઘરે બેસી રહેવાની વિનંતી કરી છે ત્યારે સહુ કોઈને સેવા ધર્મ કરવાના અબરખા જાગ્યા છે. કંઈ ન કરતા આજે માત્ર ઘરે બેસીને દેશ અને સમાજની સેવા થઇ શકે છે ત્યારે સહુ લોકો બાવરા બની બીજાને સેવા કરવાના બહાને ધતિંગે ચડ્યા છે. આજ સુધી કોઈને કાણો રુપીયોએ આપ્યો નહીં હોય તેવા લોકો બહાર રખડવા મળે માત્ર એ હેતુથી ખીચડીના તપેલા લઈને ફરે છે. આને શું કહેવું ? શું આ લોકોને સરકારે આપેલી સીધી સાદી સુચના કે “ઘરે રહો... ઘરે રહો... ઘરે રહો... અને માત્ર ઘરે રહો... એ સમજાતી નથી ?” શું કામ આમ ઘરમાંથી બહાર નીકળીને માનવજાતિના સહુ કોઈ દુશ્મન બની રહ્યા છે.